મળતી માહિતી મુજબ ભાજપ નિરીક્ષકો આજથી ત્રણ દિવસ માટે તમામ ૨૬ મત વિસ્તારમાં જઈ સુનાવણી હાથ ધરશે. આ સુનાવણી પૂરી થયા બાદ ત્રણ દિવસ પ્રદેશ ચૂંટણી સમિતિ સમક્ષ નિરીક્ષકો રજૂઆતોનો સાર રજૂ કરશે અને તેના આધારે પ્રદેશના આગેવાનો પેનલો તૈયાર કરી નવી દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. કોંગ્રેસે પ્રથમ તબક્કામાં ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તો એક બે દિવસમાં વધુ નામો જાહેર કરી શકે છે.
ભાજપે ૨૬ લોકસભા બેઠકો માટે એક મહિલા આગેવાન સાથે કુલ ૭૮ નિરીક્ષકની યાદી જાહેર કરી છે. આ નિરીક્ષકો ૧૪થી ૧૬ માર્ચ દરમિયાન તેમને સોંપાયેલા મતવિસ્તારોમાં જઈ વિવિધ સ્તરના કાર્યકરોને મળશે. આ નિરીક્ષકોએ કેવા પ્રકારે કામગીરી કરવાની છે, તે અંગે મળેલી ભાજપની બૃહદ બેઠકમાં સૂચના અપવામાં આવી હતી. આ સૂચનાઓમાં નિરીક્ષકોને તાકીદ કરવામાં આવી છે કે, કાર્યકરો દ્વારા ગમે તે ઉમેદવાર માટે તરફદારી કરવામાં આવે અથવા તો કોઇ નામ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવે તેની નોંધ, લેખિત રજૂઆતો વગેરે સાંભળવાની રહેશે.
આ ઉપરાંત પ્રદેશ સ્તરેથી નિરીક્ષકો સમક્ષ કયા પ્રકારના કાર્યકરોએ રજૂઆત કરવા જવાનું છે તે પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્યો, જિલ્લા-તાલુકાના મતવિસ્તારમાં રહેતા ડેલિગેટ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, મતવિસ્તારના સંગઠનના હોદ્દેદારો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિરીક્ષકો પોતાને લાગે તેવા કાર્યકરોને મળી તેમનો પણ અભિપ્રાય મેળવી શકે છે.
નિરીક્ષકો પોતાની સમક્ષ આવેલી ભલામણો રજૂઆતોના આધારે રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ ચૂંટણી સમિતિની ૧૭થી ૧૯ દરમિયાન મળનારી બેઠકમાં રજૂ કરવાનો રહેશે.