હરિયાણામાં પહેલી વાર ત્રણ મુસ્લિમ ચહેરા ભાજપની ટિકિટ !
ભારતીય જનતા પાર્ટીએ પ્રથમવાર 3 મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપી છે. નૂંહમાં ઈનેલોમાંથી આવેલા જાકિર હુસૈનને ટિકિટ આપી છે. ફિરોઝપુર ઝિરકા વિધાનસભામાં નસીમ અહમદને ટિકિટ આપી છે. ઉપરાંત પુન્હાની વિધાનસભા સીટ પર મહિલા ઉમેદવાર નૌક્ષમ ચૌધરીને ટિકિટ આપી છે. આ હરિયાણાના ઈતિહાસમાં પહેલી વાર બન્યું છે કે, ભાજપે ત્રણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે.
ભાજપની ટિકિટ મેળવનારા નૌક્ષમ ચૌધરીને જાણો
નૌક્ષમ ચૌધરી ઈંગ્લેન્ડમાંથી ભણીને આવ્યા છે. તેમના પિતા નિવૃત જજ છે તથા માતા IAS અધિકારી છે. ખાસ વાત તો એ છે કે, નૌક્ષમ 10 ભાષાનું જ્ઞાન ધરાવે છે. વિતેલા કેટલાય મહિનાઓથી તે ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. 28 વર્ષની નૌક્ષમ દિલ્હી યુનિ.માંથી બીએ તથા એમએ થયેલી છે. નૌક્ષમને પુન્હાનામાંથી ભાજપે ટિકિટ આપી છે. આ સીટનો ઈતિહાસ છે કે ,અહીંથી કોઈ મહિલા ઉમેદવાર ક્યારેય જીતી નથી.
નૂંહમાંથી ઝાકીર હુસૈન ભાજપના ઉમેદવાર
ઝાકીર હુસૈનને રાજકારણનો વારસો મળેલો છે. તેમના પિતા ચૌધરી તૈયબ હુસૈન પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પ્રધાન રહી ચૂકેલા છે. જે એક રેકોર્ડ છે. ઝાકીર હુસૈન 2009માં ગુરુગ્રામ સીટ પર બસપામાંથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. 2014માં તેઓ ઈનેલોમાંથી ટિકિટ મેળવી નૂંહમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. ઝાકીર હુસૈન હાલમાં જ ભાજપમાં જોડાયા છે.
ફિરોઝપુર ઝિરકામાંથી નસીમ અહમદને ટિકિટ આપી
નસીમ અહમદને પણ વારસમાં રાજકારણ મળેલું છે. તેમના પિતા ચૌધરી શકરુલ્લા ખાન 3 વખત ફોરઝપુર ઝિરકામાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને બે વાર પ્રધાન પણ રહી ચૂક્યા છે. નસીમ અહમદ સતત બે વાર વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. નસીમ અહમદ 2009 અને 2014માં જીત્યા છે. અગાઉ તેમણે લોકસભા ચૂંટણી વખતે ઈનેલો છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. હવે તેઓ ભાજપમાં જોડાયા છે.
નૂંહ સીટ પર ક્યારેય ભાજપ જીત્યુ નથી !
હરિયાણામાં લગભગ 7 ટકા મુસ્લિમ વસ્તી છે. નૂંહ એકલો એવો વિસ્તાર છે, જ્યાં મુસ્લિમોની વસ્તી 70 ટકાથી પણ વધારે છે. આ જિલ્લામાં ત્રણ વિધાનસભા સીટ આવેલી છે. જેમાંથી એક સીટ પર ભાજપ ક્યારેય જીતી નથી. એટલા માટે ભાજપે આ વખતે બહારથી આવેલી 2 ધારાસભ્યોને ટિકિટ આપી છે.