પટનાઃ બિહારમાં પોલીસની ટીમ પર નક્સલી હુમલાની સંભાવના સેવાઇ રહી છે. આ વાતની પુષ્ટિ બિહાર પોલીસ હેડક્વાર્ટરે કરી હતી. પોલીસ હેડક્વાર્ટરે તમામ જિલ્લાના IG, DIG અને SP સહિત રેલવે પોલીસને પણ સર્તક રહેવા જણાવ્યું છે.
- પોલીસ હેડક્વાર્ટરે તમામ એસપીને એલર્ટ કર્યા
જો કે, પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગહામાં શુક્રવારે પોલીસ અને નક્સલી વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં 4 નક્સલીના મોત થયા હતા. ત્યાં જ મુંગેરમાં નક્સલીઓએ 2 લોકોની હત્યા કરી હતી. જેના કારણે તે વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે.
આ ઘટનાને લઇ પોલીસ પોલીસ હેડક્વાર્ટર એલર્ટ થયું છે. પોલીસ હેડક્વાર્ટરે આશંકા દર્શાવતા કહ્યું કે, બિહાર રાજ્યમાં નક્સલીનો હુમલો થઇ શકે છે. જેને લઇને તમામ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે.
- પોલીસ અને નક્સલી વચ્ચેના ઘર્ષણમાં 4 નક્સલી ઠાર
ઉલ્લેખનીય છે કે, વાલ્મીકિ નગર ટાઇગર રિઝર્વ હરનટાંડ વન વિસ્તારમાં શુક્રવારે નક્સલી હોવાની પોલીસને સૂચના મળી હતી. સૂચના મળતાની સાથે જ STF અને SSBની ટીમે સંયુક્ત ઑપરેશન હાથ ધર્યું હતું. જેમાં 4 નક્સલીને ઠાર મારવામાં આવ્યા હતા. આ ઑપરેશનમાં STFના એક અધિકારી સહિત 2 જવાન ઘાયલ થયા હતા.
- નક્સલીઓએ કરી 2 લોકોની હત્યા
મુંગેરની હવેલી ખડગપુર સ્થિત બધેલ ગામમાં નક્સલીઓએ 2 લોકોની હત્યા કરી હતી. પોલીસને આશંકા છે કે, બગહામાં રહેલા નક્સલી નેપાલ અને ઝારખંડના સટે વિસ્તારમાં મોટી ઘટનાને અંજામ આપી શકે છે. તે વાતને લઇ રવિવારે પોલીસ હેડક્વાર્ટરમાંથી રાજ્યના તમામ IG, DIG અને SP સહિત રેલવે પોલીસને પણ સર્તક રહેવા સૂચના આપવામાં આવી છે.