પટના: દેશના ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. બિહારથી લઈને આસામ સુધી તોફાની વરસાદ અને પૂર પ્રકોપને કારણે હાહાકાર થયો છે. બિહારમાં ગંગા સહિત અનેક નદીઓ તેમજ આસામમાં બ્રહ્મપુત્રા નદીની શાખાઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદીઓએ ભયજનક સપાટી વટાવતા કેટલાક શહેરો અને ગામો તેમજ ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. લાખો લોકો પૂરને કારણે ઘરવિહોણા થઈ જતા રાહત છાવણીમાં ખસેડાયા છે. લોકોને પૂરથી બચાવવા બિહાર NDRFની ટીમ કામે લાગી છે. રાજ્યમાં પૂરપ્રકોપે તબાહી મચાવી છે.
બિહારના માંઝા નિમુઇયા પંચાયતના 12થી વધુ ગામનોના લોકો છેલ્લા એક અઠવાડિયાથી પૂરનો સામનો કરી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અહીં ખાવા માટે ખોરાક નથી, પીવા માટે પાણી નથી. પાણીથી ઘેરાયેલા આ પૂર પીડિતોના જીવન વાંસથી બનેલા પલંગ ઉપર વિતી રહ્યા છે.
આ ગામમાં હજી સુધી કોઈ જન પ્રતિનિધિ પહોંચ્યો નથી. હજી સુધી કોઈ અધિકારી તેમની સ્થિતિ જોવા માટે પણ આવ્યા નથી. આ જ કારણ છે કે અહીં રહેતા લોકોને પાયાની સુવિધાઓ મળી નથી રહી. આ લોકો મદદ માટે વહીવટીતંત્રની રાહ જોઈ રહ્યા છે.
બિહારનો ગોપાલગંજ જિલ્લો હંમેશાથી પૂરગ્રસ્ત વિસ્તાર રહ્યો છે. પૂરના કારણે અહીંના લોકો હંમેશાં બેઘર થઇ જાય છે. આ વર્ષે પણ ગંડક નદીએ તબાહી સર્જી છે વાલ્મીકી નગર બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવ્યા બાદ દિયારા વિસ્તારના અનેક ગામોમાં પૂરની પરિસ્થિતી સર્જાઇ છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
નેપાળના તેરાઇ વિસ્તારમાં સતત વરસાદ બાદ વાલ્મિકી નગર બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યો હતો જે બાદ દિયારા વિસ્તારના ગામમાં પૂરના પાણી ઝડપથી ફેલાવા લાગ્યા છે. લોકોને તેમના ઘરોમાં કેદ કરવામાં આવ્યા છે. નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે જિલ્લા મથકથી અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી બોટની વ્યવસ્થા કરવામાં આવી છે.
સૌથી વધુ પરેશાની સદરના મહેન્દીય,મશાન પોલીસ સ્ટેશન, મકસૂદપુર જાગીરી ટોલા, મલાહી ટોલા અને રામપુર ગામની છે. અહીં 3 થી 4 ફૂટ પાણી ગામના રસ્તાઓ પર વહી રહ્યું છે. કેટલાક લોકોને તેમના ઘરે કેદ કરવામાં આવ્યા છે, તો કેટલાક લોકો હવે સ્થળાંતર કરી રહ્યા છે. 60 ગામોની લગભગ 40 હજાર વસ્તી સંપૂર્ણ રીતે પૂરથી પ્રભાવીત થઇ છે.