નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભીમા કોરેગાંવ કેસમાં માનવ અધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખાને દિલ્હીથી મુંબઈ સ્થાળાંતર કરવા બાબતે ન્યાયિક રેકોર્ડ રજૂ કરવા માટે NIA(નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)ને નિર્દેશ કરવાનો દિલ્હી હાઈકોર્ટનો આદેશ સોમવારે રદ્દ કર્યો છે.
ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા, ન્યાયમૂર્તિ નવીન સિન્હા અને ન્યાયમૂર્તિ ઈન્દિરા બેનર્જીની ખંડ પીઠે જણાવ્યું કે, નવલખાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટને સુનાવણી કરવાનો કોઈ અધિકાર ન હતો. આ કેસ મુંબઈના અધિકાર ક્ષેત્રમાં આવે છે.
પીઠે નવલખાની જમાનત અરજી પર દિલ્હી હાઈકોર્ટના 27 મેનાં રોજ કરાયેલા આદેશમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી વિશે આપેલી પ્રતિકૂળ નિવેદનને પણ રેકોર્ડમાંથી હટાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ પહેલા 27 મેનાં રોજ ઉચ્ચ ન્યાયાલયના આદેશ પર રોક લગાવી દીધી છે. ઉચ્ચ ન્યાયાલયે આપેલા આદેશમાં ગૌતમ નવલખાને તિહાડ જેલથી મુંબઈ લઈ જવામાં ઉતાવળ કરવા બદલ રાષ્ટ્રીય તપાસ એજન્સીનો ઉધડો લીધો હતો.
સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સોમવારે ન્યાયાલયમાં સુનાવણી દરમિયાન જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર નવલખાએ સમર્પણ કર્યું હતું, જે દરમિયાન દિલ્હીમાં લોકડાઉન લાગુ હતું. NIAએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં આવેદન આપી દિલ્હીની તિહાડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા ગૌતમ નવલખાને હાજર કરવા માટે જરૂરી વોરંટ જાહેર કરવા માટે સૂંચન કર્યું હતું.
મહેતાએ જણાવ્યું કે, આ વોરંટના આધારે નવલખાને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, અને દિલ્હી હાઈકોર્ટને પણ જાણ કરવામાં આવી હતી. દિલ્હીમાં લોકડાઉન સમાપ્ત થયા બાદ નવલખાને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી અંગે હાઇકોર્ટની ટિપ્પણીઓ બિનજરૂરી છે.
નવલખા વતી વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે હાઈકોર્ટે જે કર્યું તે જણાવ્યું હતું. નવલખાને ન તો કોઈ જામીન આપી છે કે, ન કોઈ રાહત આપી છે. હાઇકોર્ટે સંબંધિત અધિકારીને માત્ર સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. ખંડપીઠે નોંધ્યું કે, હાઇકોર્ટે આ અરજી પર વિચાર કરવો ન જોઇએ. આ સાથે ખંડપીઠે સિબ્બલને જણાવ્યું કે, કોઈ પણ હાઈકોર્ટ આવા કેસમાં દખલ કેવી રીતે કરી શકે? તમે અમારી પાસે આવી શકો અથવા મુંબઈની NIA સંબંધિત કોર્ટમાં જઇ શકો.
સર્વોચ્ચ અદાલતે 19 જૂને નવલખાની જામીન અરજી પર હાઈકોર્ટની વિચારણા અંગે સવાલ ઉઠાવતા નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, જ્યારે આવી રાહત માટેની અરજી પહેલા જ નકારી કાઢવામાં આવી હતી, અને નવલખાને નિર્ધારિત સમયમાં જ આત્મસમર્પણ કરવા જણાવ્યું હતું.
16 માર્ચેના રોજ સર્વોચ્ચ અદાલતે નવલખાના આગોતરા જામીનની અરજી નામંજૂર કરી અને ત્રણ સપ્તાહમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આ હુકમ બાદ નવલખાએ 14 એપ્રિલના રોજ આત્મસમર્પણ કર્યું હતું. જે બાદથી તેને તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. નવલખાને 26 મેનાં રોજ ટ્રેન દ્વારા મુંબઇ લઈ જવામાં આવ્યો હતો.
ગૌતમ નવલખાને પુણે પોલીસે 1 ઓગસ્ટ, 2018ના રોજ કોરેગાંવ ભીમા ગામમાં 1 જાન્યુઆરી, 2018ના રોજ થયેલી હિંસા સંદર્ભે ધરપકડ કરી હતી. પૂણે પોલીસે આરોપ લગાવ્યો હતો કે, 31 ડિસેમ્બર 2017ના રોજ પૂણેમાં યોજાયેલી અલગાર પરિષદમાં ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા હતા, જેના કારણે બીજા દિવસે કોરેગાંવ ભીમામાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસે આક્ષેપ કર્યો હતો કે, આ ઘટનાને માઓવાદીઓએ ટેકો આપ્યો હતો.