કેન્દ્ર સરકારે લાગુ કરેલા નાગરિકતા સંશોધન કાયદા સામે દેશભરમાં જ્યાં મોટા પાયે પ્રદર્શન ચાલી રહ્યાં છે, ત્યાં બીજીતરફ ભાજપ પણ હવે તેના સમર્થનમાં પોતાના કાર્યકર્તાઓ સાથે રેલી યોજી રહ્યું છે. જે અંતર્ગત ભાજપના કાર્યકારી પક્ષ વડા જે. પી. નડ્ડા આજે મમતા દીદીના ગઢ પશ્ચિમ બંગાળમાં પહોંચ્યા છે. જ્યાં તેઓએ નાગરિકતા સંશોધન કાયદના સમર્થનમાં રેલી યોજી હતી. અહીં તેમની સાથે પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સહિત વરિષ્ઠ નેતાઓ પણ સામેલ થયા છે. મધ્ય કોલકાત્તાના હિંદ સિનેમાથી શરૂ થયેલી રેલી શ્યામબજારમાં પૂર્ણ થશે.
હાલ CAAનો મુદ્દો બંગાળ સહિત સમગ્ર દેશમાં સળગી રહ્યો છે. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ CAA કાયદો પોતાના રાજ્યમાં લાગુ ન કરવાની જાહેરાત પહેલાં જ કરી દીધી છે. વળી, દેશમાં CAA અને NRC લાગુ કર્યા બાદ 13થી 17 ડિસેમ્બર સુધી હિંસક પ્રદર્શન અને આગની ઘટનાઓ સામે આવી છે.