નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, વરિષ્ઠ નાગરિકો બેડસાઇડ એટેન્ડન્ટ્સ અને પ્રીપેઈડ મોબાઈલ કનેક્શન માટે રિચાર્જ સુવિધા સહિતની જાહેર ઉપયોગિતાઓને સેવાઓ પ્રદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે શહેરી વિસ્તારોમાં સ્થિત બ્રેડ ફેક્ટરીઓ અને ફ્લોર મીલો પણ લોકડાઉન દરમિયાન કામગીરી શરૂ કરી શકે છે.
ગૃહ મંત્રાલયે આપેલા આદેશ મુજબ, અત્યાર સુધી જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા દ્વારા મંજૂરી આપવામાં આવેલી ચોક્કસ સેવાઓ અને પ્રવૃત્તિઓની છૂટ અંગે કેટલાક પ્રશ્નો મેળવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રાલયે તેના આદેશમાં જણાવ્યું છે કે, બેડસાઈડ એટેન્ડન્ટ્સ અને તેમના ઘરોમાં વસતા વરિષ્ઠ નાગરિકોની સંભાળ રાખનારાઓ અને પ્રીપેઈડ મોબાઈલ કનેક્શન માટે રિચાર્જ સુવિધા સહિતની જાહેર સગવડતાઓની સેવાઓમાં છૂટ આપવામાં આવશે.
શહેરી વિસ્તારોમાં આવેલા બ્રેડ ફેકટરીઓ, દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ, ફ્લોર મીલો, દાળ મીલો વગેરે જેવા ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સને લોકડાઉન દરમિયાન કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવશે.
જો કે, મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ઓફિસો, વર્કશોપ, ફેક્ટરીઓ અને મથકો માટે સામાજિક અંતર સુનિશ્ચિત કરવું આવશ્યક છે. જિલ્લા અધિકારીઓ અને ક્ષેત્રની એજન્સીઓને આ હુકમ અંગેની જાણ કરવી જોઈએ જેથી જમીની કક્ષાએ અસ્પષ્ટતા ટાળી શકાય.
લોકડાઉનની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને કરી હતી. જે બાદ 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.