લખનઉ : સરકારે 5 ઓગસ્ટે રામ મંદિરના નિર્માણનો પાયો નાખવાની તૈયારી કરી લીધી છે. જ્યારે અયોધ્યા જિલ્લાના ધાણીપુર ગામમાં મસ્જિદ બનાવવાની તૈયારી પણ ચાલી રહી છે. રાજ્યના સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે પણ તેના માટે એક ટ્રસ્ટની રચના કરી છે, જેને ઈન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન કહેવામાં આવે છે.
સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી રહેશે, જ્યારે ચેરમેન ઝફર ફારૂકી ચીફ ટ્રસ્ટી રહેશે અને તહર હુસેનને ટ્રસ્ટના સેક્રેટરી અને પ્રવક્તા તરીકે નિમવામાં આવ્યા છે. અધ્યક્ષ ઝફર અહમદ ફારૂકીએ હજુ સુધી તમામ 15 નામોની જાહેરાત કરી નથી. ટ્રસ્ટમાં મહત્તમ લોકોની સંખ્યા 15 હશે, અત્યાર સુધીમાં ફક્ત 9 નામોની જાહેરાત કરવામાં આવી છે.
સંભવિત છે કે, આ ટ્રસ્ટમાં એવા લોકોના નામ શામેલ હશે જેઓ વિવાદિત બાબરી મસ્જિદના બદલામાં બીજી જગ્યા પર જમીન લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બોર્ડ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બાબરી મસ્જિદ કેસમાં યુપી સરકારે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને પાંચ એકર જમીન આપી હતી. ટ્રસ્ટ હેઠળ જનહિત માટે જમીન પર મસ્જિદ ઉપરાંત ઇમારત બનાવવામાં આવશે.
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ 5 ઓગસ્ટથી શરૂ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચીને શિલાન્યાસ કરશે.