સોમવારે આઝમ ખાને લોકસભામાં રમા દેવીની માફી માંગી છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ આઝમ ખાને સ્પીકરને સંબોધી કહ્યું કે, જો તેમના નિવેદનથી રમા દેવીને ઠેસ પહોંચી હોય તો તેઓ માફી માંગે છે. આટલું બોલી તેઓ બેસી ગયા. પરંતુ ભાજપા સાંસદ હોબાળો કરવા લાગ્યા હતા. ભાજપના સાંસદોએ આઝમ ખાનના હાવ-ભાવ પર પ્રશ્નો ઉભા કર્યા હતા. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવે ઉન્નાવ રેપ પીડિતાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે ભાજપે તે ઘટના પર પણ ધ્યાન આપવું જોઈએ.
ભાજપ સાંસદોએ અખિલેશ યાદવની પ્રતિક્રિયાને વખોળી કાઢી હતી. ત્યાર બાદ સ્પીકર ઓમ બિડ઼લાએ આઝમ ખાને ફરીથી માફી માંગવા માટે જણાવ્યું હતું. સ્પીકરના નિર્દેશથી આઝમ ખાને એકવાર ફરી રમા દેવી તેમના બહેન સમાન છે અને પોતાના નિવેદનથી તેમને દુઃખ થયું હોય તેઓ માફી માંગે છે.
આઝમ ખાને માફી માંગ્યા બાદ રમા દેવીએ કહ્યું કે, તેમના વ્યવહારથી દેશને દુઃખ થયું છે. આઝમ ખાને પોતાની આદત સુધારવી જોઈએ. તેમણે કહ્યું કે આઝમ ખાન વારંવાર સંસદમાં આ પ્રકારના નિવેદનો આપે છે. આ અગાઉ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને સાંસદ આઝમ ખાન લોકસભા અધ્યક્ષને મળવા માટે તેમના કાર્યાલયે પહોંચ્યા હતા. કાર્યાલયમાં ભાજપ સાંસદ રમા દેવી પણ હાજર હતા.