મુંબઈઃ અભિનેતા આયુષ્માન ખુરાના અને તેની પત્ની તાહિરા કશ્યપ કોરોના વાઈરસ વિરુદ્ધ લડવા માટે દિલ્હીની રેગપીકર્સ (કચરો વિણવાવાળી મહિલા) મહિલાઓની મદદ માટે આગળ આવી છે.
અભિનેતા અને તેની પત્ની છેલ્લા ઘણાં વર્ષોથી ગુલમહેર નામની સંસ્થાની મદદ કરે છે. આ સંસ્થા લગભગ 200 મહિલાઓની મદદ કરે છે. જેનાથી આ મહિલાઓ પોતાનું અને તેમના પરિવારનું ધ્યાન રાખી શકે છે.
પીએમ કેર્સ ફંડમાં દાન આપ્યા બાદ આયુષ્માને કહ્યું કે, 'કોરોના વાઈરસથી સમાજનો દરેક વર્ગ પ્રભાવિત થયો છે. પરંતુ ઓછી આવક ધરાવતાં લોકો સૌથી વધારે પ્રભાવિત થયાં છે. દેશના નાગરિક હોવાની સાથે બધાની ફરજ છે કે, બધા આગળ આવે અને મુશ્કેલીના આ સમયમાં લોકોની મદદ કરે'.
વધુમાં અભિનેતાએ જણાવ્યું હતું કે, 'હું અને તાહિરા વર્ષોથી ગુલમહેર નામની સંસ્થા સાથે જોડાયેલા છીએ અને યથાશક્તિ આ મહિલાઓની મદદ અમે કરીશું'. જો કે, અભિનેતાએ પીએમ કેર્સ ફંડમાં કેટલું દાન કર્યું છે તેની માહિતી આપી નહોતી.
તાહિરાએ કહ્યું હતું કે, 'આર્થિક અસ્થિરતાને લીધે આ મહિલાઓની હાલત ગંભીર છે. જો એક દિવસ પણ કમાવા ના મળે તો તેમને ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય છે. આયુષ્માન અને હું તેમની સાથે છીએ'.