ન્યૂઝ ડેસ્કઃ દેશમાં કેટલાક દાયકાઓથી સ્વયંસંચાલીત સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્વયંસંચાલીત મશીનોથી લોકોએ કઈ રીતે નોકરી ગુમાવવી પડે છે તે સ્વ. શ્રી બી. આર. ચોપરા નિર્દેશીત ફિલ્મ ‘નયા દૌર’માં બતાવવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં પદ્મ ભૂષણ વિજેતા શ્રી દિલીપ કુમારે ‘ટોંગાવાલા’નો અભિનય કર્યો હતો. એ ગામના જમીનદારના દિકરાએ ટોંગાના વિકલ્પમાં વાહન વ્યવહારના સાધન તરીકે બસ ઉપલબ્ધ કરાવી હતી. એ બસ આવ્યા બાદ એ ગામના ટોંગાવાલાઓને મોટો આર્થિક ફટકો પડ્યો હતો. ત્યારબાદ એ ફિલ્મના હીરો દિલીપકુમારે મશીન, ઇલેક્ટ્રીક સાધનો અને ટેક્નોલોજી સાથે કામ કરવાની તૈયારી બતાવીને તે લડતમાં આગેવાની કરી હતી.
હાલમાં મહામારીના આ સમયમાં, કોવિડ પહેલાના દિવસો કરતા વધુ ઝડપથી ઓટોમેશન પોતાનુ સ્થાન મજબૂત કરી રહ્યુ છે. આપણે જાણીએ છીએ તેમ કોરોનાની મહામારી દરમીયાન વિશ્વભરમાં અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. આ પુરતુ ન હોય તેમ ઓટોમેશન આવવાથી અન્ય કેટલાક લોકોએ નોકરીઓ ગુમાવી અને નોકરી ગુમાવનાર લોકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં વધી ગઈ. આ ઉપરાંત એ બાબત પણ ધ્યાનમાં આવી છે કે ઓટોમેટીવ ક્ષેત્રમાં, અને ખાસ કરીને એસેમ્બલી લાઇનમાં કામ કરતા લોકોની જગ્યાએ રોબોટનો ઉપયોગ કરવાથી તેમાં કામ કરતા મજૂરોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. વધારામાં રેસ્ટોરન્ટ્સ હાલમાં માણસોની જગ્યાએ રોબોટ પર ખર્ચ કરવાનો આગ્રહ રાખી રહી છે જેથી માણસોને પૈસા આપવાથી બચી શકાય. તેમાં પણ હવે કેટલીક શાળાઓ પણ ટેક સાયન્સ અને ગણિત વિષય માટે સ્કુલ ટીચરની જગ્યાએ રોબોટનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ટ્યુટોરીયલ ક્લાસીસ પણ રોબોટ સંચાલીત હોય તેવી તૈયારી કેટલીક શાળાઓ કરી રહી છે.
તેવી જ રીતે ફાઇનાન્સીયલ બ્રોકરેજ, ફાઇનાન્સીયલ રીસર્ચ, ફાઇનાન્સીયલ માર્કેટ તેમજ ઇન્શ્યોરન્સ કંપની જેવી સર્વિસ ઇન્ડસ્ટ્રી પણ ફાઇનાન્સીયલ એડવાઇઇઝર તરીકે રોબોટમાં રોકાણ કરવાનું વિચારી રહી છે. આ ઉપરાંત રોબોટનો ઉપયોગ કરીને ચેટબોટ્સ તેના ગ્રાહકોને 24*7 સમયસર કોલ પર સર્વિસ આપવામાં આવી રહી છે. બ્લૂમબર્ગ પાસે એક ચેટબોટ છે જે ગ્રાહકોની ફરીયાદોના નિવારણ માટે 24*7 કામ કરે છે. બીજી કેટલીક કંપની છે કે જે ગ્રાહકોના પ્રશ્નોનું નિવારણ માટે ચેટબોટ્સમાં રોકાણ કરી રહી છે. તેનાથી પ્રોત્સાહીત થઈને અન્ય કેટલીક કંપની પણ ઓટોમેશનમાં રોકાણ કરવાનું વિચારી રહી છે.
શરૂઆતના સમયમાં ઓટોમેશન એ માનવોને નુકસાન પહોંચાડનારૂ હોઈ શકે છે પરંતુ લાંબા સમયે તે નોકરીની નવી તકો ઉભી કરશે. એ વાત નોંધનીય છે કે જ્યારે પ્રથમ વખત કમ્પ્યુટર આવ્યા એ વખતે કમ્પ્યુટર અને ટેક્નોલોજી સામે હડતાલ અને રેલી કરવામાં આવી હતી. હવે આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટરનો ઉપયોગ દરેક જગ્યા પર થઈ રહ્યો છે. તેવી જ રીતે જ્યારે સેલફોન અને સ્માર્ટફોનની શોધ કરવામાં આવી ત્યારે પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ આજે દેશના દરેક ખુણામાં સ્માર્ટફોન પહોંચી ગયા છે.
હવે ઘણી કંપનીઓ રોગચાળા અને અન્ય બીમારીથી બચવા માટે માનવ હસ્તક્ષેપનો ઘટાડો કરી રહી છે તો બીજી તરફ ઓટોમેશનથી ચાલતા ધંધા આ સમયે વધુ પ્રગતી કરે તેમ પણ બની શકે છે.
એક તરફ ઓટોમેશન એ મજૂર વર્ગ માટે આફત સમાન છે તો બીજી તરફ મશીનની સામે હરીફાઇમાં ઉતરીને વિશ્વભરનો મજૂર વર્ગ પોતાની આવડત અને હુન્નરમાં વધારો કરી શકે છે. બીજી તરફ આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ અને બ્લોક-ચેઈન ટેક્નોલોજી દેશમાં ઓટોમેશનને વધુ વેગ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે એઆઇ અને ઓટોમેશન વર્લ્ડમાં કામ કરવા માટે માનવ સંસાધનને તૈયાર કરવાનો આ યુગ છે.
કંપનીઓ એવી માન્યતા ધરાવે છે કે રોબોટ ખર્ચમાં ઘટાડો કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત કોર્પોરેટ સેક્ટર પણ માને છે કે ઓટોમેશન પુરવઠો પુરો પાડવાની સાંકળને પણ સુરક્ષા પ્રદાન કરે છે. તે કોરોનાના ‘SMS’ના નિયમને એટલે કે સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનીટાઇઝેશનના નિયમને પણ અનુકુળ છે.
જો કોઈ ધંધામાં રોબોટ કામ કરતા હશે તો રોબોટથી વાયરસ ફેલાવવાની શક્યતાઓ પણ નહીવત્ થઈ જાય છે. સ્વાસ્થ્ય, બેંકીંગ અને ફાઇનાન્શીયલ સર્વિસીઝમાં રોબોટનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે. નાણાકીય રીતે સધ્ધર હોસ્પીટલ ઓટોમેશન અને રોબોટીક ટેક્નોલોજીમાં રોકાણ વધારી રહી છે. તેવી જ રીતે ટોચની ખાનગી બેંકોએ પોતાની શાખાઓમાં રીસેપ્શનીસ્ટ તરીકે હ્યુમનોઇડ રોબોટનો ઉપયોગ શરૂ કર્યો છે. તેવી જ રીતે બેંગલોર સ્થીત આંતરરાષ્ટ્રિય શાળાએ ફીઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને જીઓગ્રાફી જેવા જટીલ વિષયો ભણાવવા માટે હ્યયુમનોઇડ રોબોટીક ટીચર્સને તૈયાર કર્યા છે. વર્લ્ડ ઇકોનોમીક ફોરમના અહેવાલ મુજબ 2025ની ટોપ 10ની યાદીમાં ડેટા સાયન્સ, એઆઇ, બ્લોક ચેઇન, ફીનટેક, ઓટોમેશન અને આઇઓટી વગેરેનો સમાવેશ થશે. તેથી જ આવનારા વર્ષોમાં ટેકનોલોજી અને ઓટોમેશન પ્રોફેશનલ્સની માંગ વધશે. આવનારા દિવસોમાં મેનેજમેન્ટને લગતી નોકરીઓની સંખ્યા ઘટશે, ખાસ કરીને એવા મેનેજરની માંગ ઘટશે જેઓ મેનેજમેન્ટની કામગીરી ન હોવા છતા માત્ર મધ્યસ્થીની ભૂમિકામાં કામ કરી રહ્યા છે. ઓટોમેશન મોટા ભાગની મધ્યસ્થીની નોકરીઓની જગ્યા લેશે તેવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. માટે રોબોટ સામે ટકી રહેવા માટે અને બદલતી ટેક્નોલોજી સાથે કામ કરવા માટે માણસોએ લેટેસ્ટ ટેક્નોલોજીને અપનાવવા તૈયાર રહેવુ પડશે અને પોતાના હુન્નરને પણ અપડેટ કરવું પડશે.
લેખક: એમ. ચંદ્રશેખર, આસીસ્ટન્ટ પ્રોફેસર, ઇન્સ્ટીટ્યુટ ઓફ પબલીક એન્ટરપ્રાઇઝ, હૈદરાબાદ