નવી દિલ્હી: દિલ્હીની 70 બેઠકની વિધાનસભા માટે આજે મતદાન થવાનું છે. આ બેઠકો પર અંદાજે 668 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે, જેના ભવિષ્યનો નિર્ણય EVMમાં કેદ થઇ જશે. નાગરિક્તા કાયદાના થઇ રહેલા વિરોધ વચ્ચે દિલ્હી ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય રૂપે ચૂંટણી લડનારામાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, ઉપ-મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયો, ભારતીય જનતા પાર્ટીના વિજેન્દ્ર ગૃપ્તા અને કોંગ્રેસના અરવિંદર સિંહ લવલી સામેલ છે.
નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલ
ચૂંટણી પંચ પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હીમાં સૌથી વધુ 28 ઉમેદવાર નવી દિલ્હી વિધાનસભા બેઠક પર છે, જ્યારે સૌથી ઓછા ઉમેદવાર પટેલ નગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. નવી દિલ્હી બેઠક પરથી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ મેદાનમાં છે.
વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીની 70 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 67 બેઠકો મેળવી હતી, જ્યારે ભાજપને 3 બેઠક મળી હતી. કોંગ્રેસના હાથમાં એક પણ બેઠક આવી નહોતી.
ઘરેથી મતદાન કેન્દ્ર જાણકારી મેળવી શકાશે
દિલ્હી વિધાનસભા ચૂંટણી-2020માં મતદાતા ધરથી મતદાન કેન્દ્રની ભીડ અંગે જાણકારી મેળવી શકશે. આ ચોંકાવનારૂં કામ 'ક્યૂઆર' કોડ વાળા 'બૂથ-એપ' દ્વારા શક્ય બનશે. આ સાથે જ દિલ્હી અત્યારસુધી ભારતમાં થયેલી તમામ વિધાનસભા ચૂંટણીમાં આ પ્રકારની ટેકનીક વાળા 'એપ'નો પ્રયોગ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બની જશે.
સુરક્ષા વ્યવસ્થા
શનિવારે યોજાનારી દિલ્હી વિધાનસભાની 70 સભ્યોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓએ મતદાનની તૈયારી પૂર્ણ કરી લીધી છે. અંદાજે 40,000 સુરક્ષા કર્મચારી, હોમગાર્ડના 19,000 જવાનો અને CRPFની 190 કંપનીઓને ખડે પગે રાખવામાં આવી છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવા ઉપરાંત શાહીન બાગ અને અન્ય સંવેદનશીલ મતદાન મથકો પર વધારાની તકેદારી રાખવામાં આવી રહી છે.
111 વર્ષના સૌથી વૃદ્ધ મતદાતા
બાંગ્લાદેશમાં જન્મેલા દિલ્હીના સૌથી મોટા મતદાતા કાલિતારા મંડલ 111 વર્ષની ઉંમરે પણ ચૂંટણીને લઈને ઉત્સાહિત છે અને મત આપવા માટે અને તેની આંગળી પર શાહીનું નિશાન લગાવવા માટે ખૂબ ઉત્સુક છે. દિલ્હીના સીઆર પાર્કમાં રહેતાનારા મંડલનો જન્મ અવિભાજિત ભારતમાં 1908માં થયો હતો. દિલ્હીમાં 132 શુતાયુ(100 અથવા 100થી વધુ ઉંમરના) મતદાતા છે. જેમાં 68 પુરૂષ અને 64 સ્ત્રીઓ છે.