નવી દિલ્હીઃ ભારતીય સેનાએ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વીડિયો બનાવટી હોવાનું જણાવ્યું છે. આ વીડિયોમાં ભારતીય અને ચીની જવાનો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. સેનાએ આપેલા નિવેદન મુજબ આ વીડિયો બનાવટી છે. આ વીડિયોમાં કોઈ સત્ય નથી. આ વીડિયોને ઉત્તરીય સરહદ વિવાદ સાથે જોડવું યોગ્ય નથી.
બન્ને દેશો વચ્ચે સીમા સંચાલન બાબતના પ્રોટાકોલ અંતર્ગત મતભેદોના સમાધાન કરવા માટે સેના કમાન્ડરોની વચ્ચે મંત્રણા ચાલી રહી છે. સેનાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમે રાષ્ટ્રીય સુરક્ષા પર અસર કરતી બાબતોને સનસનાટી ભર્યા સમાચાર બનાવવાની સખત નિંદા કરીએ છીંએ. આ સાથે જ અમે મીડિયાને પણ વિનંતી કરીએ છીંએ કે, આવી સામગ્રી પ્રસારીત કરવી જોઈએ નહીંં. કારણે કે, આવા સમાચારોથી પરિસ્થિતિ વધુ ખરાબ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, પૈગોન્ગ ત્સો વિસ્તારમાં 5 મેની સાંજે ભારત અને ચીનના લગભગ 250 જવાનો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે જણાવ્યું હતું કે, આ વિવાદના સમાધાન માટે રાજનૈતિક સ્તરે દ્વીપક્ષીય ચર્ચા ચાલી રહી છે.