નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે બે દિવસીય પ્રવાસ પર મંગળવારે લદ્દાખમાં છે. નરવણે બંને દેશોની સેનાઓ વચ્ચે પેદા થયેલા તણાવને ધ્યાને રાખીને સેનાના અગ્રિમ મોર્ચાની સમીક્ષા કરી હતી.
નરવણેએ પૂર્વી લદ્દાખમાં આગળના વિસ્તારોનો પ્રવાસ કર્યો અને સૈન્ય પરિચાલનની સ્થિતિની સમીક્ષા કરી હતી. સેના પ્રમુખે મનોબળ ઉંચુ રાખવા માટે સૈનિકોની પ્રશંસા કરી હતી. નરવણેએ સૈનિકોને ઉત્સાહ સાથે કામ કરવું શરુ રાખવા માટે પ્રેરિત પણ કર્યા હતા.
સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ બુધવારે પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ચીની સૈનિકોની સાથે ઝડપ દરમિયાન સંઘર્ષ કરનારા સૈનિકોને કમેન્ડેશન કાર્ડ આપ્યું હતું. વધુમાં જણાવીએ તો ગત્ત 15-16 જૂન દરમિયાન રાત્રે ભારત અને ચીનની સેના વચ્ચે ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ થઇ હતી. આ પહેલા પેંગોંગ ત્સો જીલ અને ફિંગર 4 વિસ્તારમાં પણ બંને સેનાઓ વચ્ચે અથડામણ થઇ હતી.
ભારત ચીન તણાવ વચ્ચે આર્મી ચીફ નરવણે બે દિવસીય પ્રવાસે મંગળવારે લેહ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત જવાનોના ખબર-અંતર પૂછ્યા હતા. જે બાદ તેમણે લદ્દાખના સાંસદ સાથે પણ મુલાકાત કરી હતી.
આ પહેલા ભારત-ચીન સીમા વિવાદનું નિરાકરણ લાવવાના હેતુથી લેફ્ટનેન્ટ જનરલ સ્તરે બેઠક થઇ હતી. રાજધાની દિલ્હીમાં સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ શીર્ષ સૈન્ય અધિકારીઓ સાથે વાસ્તવિક નિયંત્રણ રેખાની હાલની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી.
વધુમાં જણાવીએ તો લદ્દાખ જવા પહેલા સેના પ્રમુખે દિલ્હીમાં સેનાના વરિષ્ઠ કમાન્ડરો સાથે સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરી હતી. ઉત્તરી અને પશ્ચિમી બંને મોર્ચા પર સ્થિતિની સમીક્ષા માટે 22-23 જૂને સેનાના કમાન્ડરનું સમ્મેલન આયોજીત કરવામાં આવ્યું હતું.
સેનાના અધિકારી અનુસાર, કમાન્ડરોના સમ્મેલનના બીજા ચરણ માટે બધા કમાન્ડર નવી દિલ્હીમાં હાજર રહ્યા હતા.