સેના પ્રમુખ જનરલ બીપિન રાવતે કહ્યું કે, પાકિસ્તાને બાલાકોટમાં આતંકી કેમ્પ ફરીથી સક્રિય કર્યા છે. જેનાથી એ વાત સ્પષ્ટ છે કે, ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને કારણે બાલાકોટ ક્ષતિગ્રસ્ત થયું છે. તમને જણાવી દઈએ કે, પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં ભારતીય સેનાએ દાવો કર્યો હતો કે, બાલાકોટમાં જૈશ-એ-મહંમદની જગ્યાઓને ધ્વસ્ત થઈ છે.
સેના પ્રમુખે કહ્યું કે, અમે સાવચેત છીએ, અમે ઘુસણખોરોને દેશમાં પ્રવેશ કરવા નહીં દઈએ. વધુમાં કહ્યું કે, હું જાણું છું કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઈસ્લામની વ્યાખ્યાને ખોટા રસ્તે લઈ જવામાં આવી રહી છે. જે દેશની વ્યવસ્થામાં અડચણો પેદા કરવા ઈચ્છે છે. હાલ ધર્મ જનૂન દ્વારા લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે, પરંતુ મને લાગે છે કે, ઇસ્લામ વિશે યોગ્ય રીતે સમજાવવામાં આવે. આ અંગે પણ અમે પ્રયાસ કરી રહ્યાં છીએ.