વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમ ફેક્ટરીમાં ગેસ લીકના પીડિતોને વળતર આપવાની જાહેરાત કરી છે. જગનમોહન રેડ્ડીએ જણાવ્યું કે, મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 1-1 કરોડનું વળતર આપવામાં આવશે. વિશાખાપટ્ટનમમાં પ્રેસ કોન્ફરન્સમાં જગન મોહન રેડ્ડીએ આ વાત કરી હતી.
જગનમોહન રેડ્ડીએ જણાવ્યું કે, સરકાર મૃતકના સબંધીઓને કંપની પાસેથી વળતરની રકમ મળે એ માટે પ્રયાસ કરશે. જો રકમ ઓછી હશે તો સરકાર તેને પૂર્ણ કરશે. ગેસ લીક થયા બાદ પણ ફેક્ટરીમાં સાયરન વાગ્યું નહોતું. સરકારે બીમાર લોકોને વળતર રૂપે 25-25 હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.
જગન રેડ્ડીએ કહ્યું કે, જેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, તેમને વળતર રૂપે 10 લાખ આપવામાં આવશે. હાલ આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બેદરકારી રાખવા બદલ જવાબદાર સામે પગલા લેવામાં આવશે. વિશાખાપટ્ટનમ પહોંચ્યા બાદ જગન રેડ્ડીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, ત્યારબાદ હોસ્પિટલથી કલેક્ટર કચેરી પહોંચ્યા અને ત્યાંની પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી લીધી હતી.
મહત્વનું છે કે, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આર.આર. વેંકટપુરમ ગામમાં દક્ષિણ કોરિયાની કંપની એલજીના પોલિમર પ્લાન્ટમાં કેમિકલ ગેસ લીક થયો હતો. એક બાળક સહિત ઝેરી ગેસના લીધે 10 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં અત્યાર સુધી 348 લોકોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના સવારે 3: 30થી સવારના સમય વચ્ચે બની હતી. સવારના પાંચ વાગ્યા સુધીમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધી 10 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે હજારો લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
આ ઘટનાને કારણે એક વ્યક્તિ અકસ્માતમાં મોતને ભેટ્યો છે, શ્વાસ લેવામાં તકલીફ વચ્ચે જ્યારે દોડતો હતો, ત્યાં કૂવામાં પડી જતાં મોત થયું હતું. ઘટના ઘટી ત્યારે ગામ અને આસપાસના હજારો લોકોએ આંખમાં બળતરા અને શ્વાસની તકલીફની ફરિયાદ કરી હતી. જે બાદ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. આ સાથે આસપાસના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી રાહત બચાવનું કાર્ય કરી રહ્યાં છે.