જમ્મુ-કાશ્મીર: કોરોના વાઈરસનો પ્રકોપ વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ કોરોના વાઈરસના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેના કારણે 28 જૂનથી શરુ થનારી વાર્ષિક સારથલ દેવી યાત્રાને રદ્દ કરવામાં આવી છે. આ નિર્ણય કોવિડ-19 મહામારીને કારણે વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધોને લીધે લેવામાં આવ્યો છે.
માતા સારથલ દેવી મંદિર કિશ્તવાડ જિલ્લાના સારથલ ગામમાં આવેલું છે. શ્રી સારથલ દેવીજી પ્રબંધન પરિષદના અધ્યક્ષ વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે, કોરોના મહામારીને કારણે આ વર્ષે સાર્વજનિક ઉત્સવ અને માતા સારથલ દેવીજી યાત્રા માટે સભા યોજાશે નહીં.
સિંહે કહ્યું કે, પરંપરા અનુસાર મંદિર પરિસરમાં પુજારીઓ દ્વારા યજ્ઞ અને અન્ય પવિત્ર અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે આ આયોજન સાધારણ રીતે ઉપાધ્યક્ષ સંજીવ પરિહાર અને મેનેજમેન્ટના કેટલાક સભ્યો દ્વારા લેવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, આ મંદિર પીર પંજાલ શ્રેણીના પહાડો વચ્ચે કિશ્તવાડ જિલ્લાના સારથલમાં સ્થિત છે. ભક્તોનું માનવું હતુ કે, સારથલ દેવી કિશ્તવાડમાં રહેનારી હિંદૂ કુલદેવી છે.
જમ્મુ-કાશ્મીરમાં 25 જૂને કોરોનાના 127 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં 41 કેસ જમ્મુના હતા. કેન્દ્રશાસિત પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં કોરોનાના અત્યારસુધીમાં કુલ 3967 કેસ સામે આવ્યા છે. જેમાં 957 કેસ જમ્મુ અને 3,010 કાશ્મીરના છે.