નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટ પરપ્રાંતીય અને બાંધકામના મજૂરો માટે દિલ્હીમાં 3,200 કરોડ રૂપિયાના કૌભાડમાં CBI તપાસ માટે કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. જજ વી.કામેશ્વર રાવની બેન્ચે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરેલી સુનાવણી બાદ આ અરજીની સુનાવણી 16 જૂને ડિવીઝન બેન્ચ સમક્ષ કરવા આદેશ આપ્યો છે.
આ અરજી દીનદયાળ ઉપાધ્યાય સ્મૃતિ સંસ્થાન નામની NGOએ દાખલ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રેડ યુનિયનો અને કર્મચારીઓની સાંઠગાંઠ વડે મોટાપાયે બાંધકામ મજૂરો તરીકે એવા લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, કે જેઓ ખરેખર મજૂર નથી. તેમને 40થી 50 ટકા સુધીની કટકીની પણ લાલચ આપવામાં આવી હતી.
દિલ્લીમાં ગત ઘણા સમયથી બાંધકામ મજૂરોને આપવાની થતી રકમ અન્ય મજૂરોને બારોબાર આપી દેવાતી હોય તેવી ઘટનાઓ સામે આવી છે. અરજીમાં દિલ્લી સરકાર અને દિલ્લી બિલ્ડિંગ કન્સ્ટ્રકશન વર્કર વેલ્ફેર ફંડની ભૂમિકા તપાસવાની પણ માગ કરવામાં આવી છે. આ ઉપરાંત 2015-16થી અત્યાર સુધીમાં જેટલી રકમ મજૂરોને આપવામાં આવી છે, તેની તપાસ કરવાની માગ પણ કરવામાં આવી છે.
અમુક સરકારી અધિકારીઓના કહેવા અનુસાર આર્થિક સહાય માટે રજીસ્ટર કરાયેલા 80 ટકા વ્યક્તિઓ સદ્ધર છે અને તેમના દિલ્હીમાં પોતાના ફ્લેટ પણ છે. તેઓ બાંધકામ મજૂરો નથી. આમ તેમના અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે