અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીના સાંસદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોટીસ ફટકારી છે. જેમાં વડાપ્રધાન મોદીને 21 ઓગષ્ટ સુધીમાં આ નોટીસ બાબતે જવાબ આપવાનુ જણાવ્યુ છે. જજ એમ.કે.ગુપ્તાએ BSFના બરતરફ કરેલા જવાન તેજબહાદુર યાદવની ચૂંટણીની અરજી બાબતે આદેશ કરવામાં આવ્યો છે. 21 ઓગષ્ટે આ અરજી પર વધુ સુનવણી થશે.
તેજબહાદુર યાદવ તરફથી નિયુક્ત સિનીયર વકિલ શૈલેન્દ્રએ દલીલ કરી હતી કે, નામાંકન પત્રને ખોટી માહીતી આપવા બદલ રદ કરવામાં આવી હતી. સાથે તેમને જવાબ દેવા બાબતે તેજબહાદુરને સમય પણ આપવામાં આવ્યો ન હતો. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે તેજબહાદુરને પોતાનો બચાવ કરવા 24 કલાકનો સમય મળવો જોઈએ.
તેજબહાદુરે અરજીમાં ચૂંટણી અધિકારીઓ પર રાજકીય દબાવમાં નિર્ણય લેવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે આવશ્યકતા અનુસાર ચૂંટણી કમિશ્નર સહિત ચૂંટણી અધિકારીઓ અને એક ન્યૂઝચેનલને પક્ષકાર બનાવવા પર વિરોધ કર્યો હતો અને અરજી કરનારને પક્ષકારથી હટાવવાની માંગ કરી હતી. જો કે, કોર્ટે આ બાબતમાં અરજી દાખલ કરવાની છૂટ આપી હતી. આ સાથે જ કોર્ટે વડાપ્રધાન મોદીને આપવામાં આવેલી અરજીને રજીસ્ટર પોસ્ટ અને અખબારમાં પ્રકાશીત કરવાનો આદેશ આપ્યો છે. 21 ઓગષ્ટે આ બાબતે સુનવણી પણ થશે.