ન્યૂઝ ડેસ્કઃ ભારત સરકાર પણ ચેપ ફેલાતો રોકવા માટે કામે લાગી છે. આમ છતાં ચારે બાજુ ભય ફેલાયેલો છે. ચીન જેવી મહાસત્તા વાયરસનો ભોગ બની છે. ઈરાનમાં ખરાબ સ્થિતિ છે અને થોડા જ દિવસમાં સાર્ક દેશોમાં અને ભારતમાં પણ તે પૂરી તાકાતથી ત્રાટકવાનો છે.
પહેલેથી જ જરૂરી વસ્તુઓની, માસ્કની, સાબુની, જંતુનાશકોની કાળાબજારી થવા લાગી છે. લોકો સંગ્રહખોરી કરવા લાગ્યા છે. COVID-19નો ભય ભારત અને વિશ્વમાં ફરી વળ્યો છે.
કોરોના કરતાંય આ ભયની લાગણી વધારે પડકારરૂપ બની છે. થોડા જ સમયમાં મૃત્યુઆંક વધશે અને ચિંતા ફેલાશે તે સાથે જરૂરી દવાઓ, ખાદ્ય પદાર્થોના કાળા બજાર થવા લાગશે. કોરોના વાયરસમાં કૃષિ અને બિયારણનો પણ ભોગ લેવાઈ જશે.
આપણા અસ્તિત્વ માટે કૃષિ જરૂરી છે અને આજે આપણી ખેતી માટે જરૂરી છે ગુણવત્તાયુક્ત બિયારણ. આપણું ખેત ઉત્પાદન પણ ખેતમજૂરોની ઉપલબ્ધિ પર આધારિત છે. સાથે જ બિયારણ, ખાતર, પાક વગેરે પણ મુક્ત રીતે હરફર થઈ શકે તે જરૂરી છે.
અમેરિકાએ પોતાની સરહદો બંધ કરી દીધી છે અને યુરોપિયન યુનિયન પણ તે દિશામાં આગળ વધી રહ્યું છે. દુનિયા વીઝા રદ કરી રહી છે અને લોકોની અવરજવર અટકાવી રહી છે. દેશની અંદર પણ લોકો બહાર નીકળતા ગભરાવા લાગ્યા છે અને ખાસ કરીને ભીડમાં જવાનું ટાળવા લાગ્યા છે.
વિયેતનામથી માંડીને ઇટાલી સુધીમાં શાળાઓ બંધ કરી દેવાઈ છે અને શેરીઓ ખાલીખમ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ખેતમજૂરી માટે માણસો મળવા મુશ્કેલ બનવાના છે. આ વખતે મોસમમાં ખેતમજૂરીના દરો વધી જશે અને તેના કારણે પાક ઉત્પાદન પાછળનો ખર્ચ વધી જાય તેવું પણ બને.
મરઘા ઉછેર કેન્દ્રો માટે વધારે જોખમ છે, કેમ કે દિલ્હીમાં ચિકનનો ભાવ સાવ ઘટી ગયો છે. ભય વધશે તે સાથે મજૂરો મરઘા ઉછેર કેન્દ્રમાં મજૂરી કરવાનું પણ ટાળવા લાગશે.
વૈશ્વિક બિયારણ બજાર વૈશ્વિસ પુરવઠા પર આધારિત હોય છે. કોઈ પણ એક દેશ પોતાની રીતે બિયારણની બાબતમાં સ્વાવલંબી નથી. બંદરો પર કામકાજ અટકી ગયું અને બિયારણનો પુરવઠો નહિ આવે તેના કારણે આ વર્ષે પાક ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે.
વિશ્વભરમાં માર્ચ અને એપ્રિલના મહિના અગત્યના છે, કેમ કે આ મહિનામાં જ મકાઈ, સૂર્યમુખી, સોયાબીન, કેનોલો અને ઉનાળુ ઘઉં વગેરેનું વાવેતર થતું હોય છે. વિષુવવૃત્તની ઉત્તરે આ વાવેતર થતું હોય છે.
ભારતમાં પણ ઉનાળુ વાવેતર શરૂ થશે. બિયારણમાં મોડું થશે તો અનાજની તંગી ઊભી થઈ શકે છે અને બાદમાં ભાવોમાં વધારો થઈ શકે છે.
હાલમાં ઇન્ટરનેશનલ સીડ ફેડરેશને જુદી જુદી સંસ્થાઓને ટાંકીને જણાવ્યું હતું કે બિયારણને કારણે ચેપ ફેલાય તેવી શક્યતા ઓછી છે. જોકે સપાટી પરના ચેપથી ફેલાવો થાય છે તે કદાચ સ્મીયર ઇન્ફેક્શનથી થઈ શકે છે. જોકે બિયારણની બાબતમાં ચેપ ફેલાવાની એટલી ચિંતા કરવા જેવી નથી.
“ભયનો જ ભય રાખો”
કપરા સમયે હિંમત રાખવાની વાત આવે છે. આપણે વૈજ્ઞાનિક માહિતીના આધાર પર જ આગળ વધીને એ વિચારવાનું છે કે તે માત્ર આપણા સ્વાસ્થ્ય માટે જ નહિ પણ કૃષિ માટે પણ જોખમી ના બને. ભારતે અને બીજી સરકારોએ બિયારણ સહિતના કૃષિ પેદાશો પર કોઈ જાતના પ્રતિબંધો લાદવા જોઈએ નહિ.
બિયારણ કંપનીઓએ અને નિકાસકારોએ શિપમેન્ટમાં જોડાયેલા કામદારોની કાળજી લેવી જોઈએ. આવતા મહિનામાં બંદરો પર સ્ક્રિનિંગનું કામ મોટા પાયા પર કરવું પડશે અને તે માટે તેમને મદદરૂપ થવું પડે.
વાયરસ લોકસંપર્કથી થાય છે અને તેથી કામદારોને આ બાબતમાં જાગૃત કરવા જોઈએ. બિયારણના શિપમેન્ટમાં ચેપ ફેલાવાનું બહુ ઓછું જોખમ હોય છે. તેથી તેના શિપમેન્ટમાં મોડું કરવું જોઈએ નહિ કે અટકાવવું જોઈએ નહિ. કટોકટીના આ સમયે દુનિયાએ એક થઈને માત્ર કોરોના નહિ, તેના ભયનો પણ સામનો કરવો જોઈએ.
–ઇન્દ્ર શેખર સિંહ, ડિરેક્ટર, નેશનલ સીડ એસોસિએશન ઑફ ઇન્ડિયા