ન્યુઝ ડેસ્ક : કિશોરાવસ્થા એ અત્યંત કુમળી વય છે. આ વય સકારાત્મકતાથી છલકાતી હોવાની સાથે-સાથે પ્રભાવક્ષમ હોય છે. આ વયે ટીનેજર્સ તેમની આસપાસની બાબતો વિશે જાણવાની ઉત્સુકતા ધરાવતા હોય છે અને તેઓ સ્વયંને તથા અન્યો વિશે શું દ્રષ્ટિકોણ ધરાવે છે, તે અંગેનો તેમનો પોતાનો સ્વતંત્ર અભિપ્રાય વિકસાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ શીખવા ઇચ્છે છે, વિવિધ વસ્તુઓ અજમાવવા ઇચ્છે છે અને તેમના સમકક્ષનું અનુસરણ કરવા ઇચ્છે છે, આમ, ઉંમરનો આ તબક્કો ઘણો પ્રભાવક્ષમ હોય છે. કિશોર-કિશોરીઓને સેલિબ્રિટીઝ અને મોડેલ્સનું અનુકરણ કરવું ગમતું હોય છે અને તેઓ તેમના જૂથમાં લોકપ્રિય બનવાની ખેવના ધરાવતા હોય છે. જૂથની અંદર આકાર લઇ રહેલી સ્વીકૃતીની જરૂરિયાત અને સ્વામીત્વની ભાવનાના કારણે આમ થાય છે.
આ વિશે વધુ સમજૂતી મેળવવા માટે ઇટીવી ભારત સુખીભવએ મુંબઇમાં બોરીવલી સ્થિત પ્રફુલ્લતા સાઇકોલોજિકલ વેલનેસ સેન્ટર ખાતેનાં કેરિયર કાઉન્સેલર અને કોફી કન્વર્ઝેશન્સ, માઇન્ડઆર્ટ, માઇન્ડસાઇટ ખાતેનાં સાઇકોલોજિસ્ટ અને પ્લે થેરેપિસ્ટ કુ. કાજલ યુ. દવે સાથે વાતચીત કરી હતી.
જો આપણે કોઈ ટીનેજરને પૂછીએ કે, તમારી કઇ બાબત તમે બદલવા ઇચ્છો છો? તેઓ તરત જવાબ આપશે, “મારૂં ફિગર”. કેટલાંક ટીનેજર્સ સારૂં ફિઝિક ઇચ્છે છે, તો કોઇને પેટ સુડોળ કરવું હોય છે, કોઇને ઝીરો ફિગર જોઇતું હોય છે. તો, શું આવી ઇચ્છા કરવી અયોગ્ય છે? અયોગ્ય નથી, પણ આવું કરવા માટે શરીરને કઇ હદ સુધી કષ્ટ આપવું પડતું હોય છે, તેની વ્યક્તિને જાણ હોવી જોઇએ. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે, શરીરને સુડોળ બનાવવા માટે ટીનેજર્સ આહારમાં ઘણો કાપ મૂકે છે. જો યોગ્ય આહાર લેવામાં ન આવે, તો શરીર કુપોષણનો શિકાર બને છે અને અન્ય તકલીફો સર્જાય છે.
તો ચાલો, આપણા શરીરને તંદુરસ્ત રાખવા વિશે અને તેનાથી ખુશ રહેવા વિશે સમજૂતી મેળવીએઃ
શું ન કરવું:
- સ્વયંની સરખામણી તમારા બેસ્ટ ફ્રેન્ડ, સેલિબ્રિટીઝ કે તમારા રોલ મોડેલ સાથે ન કરશો.
- તમારા ન્યૂટ્રિશનિસ્ટ કે ડોક્ટરની સલાહ લીધા વિના ક્રેશ ડાયેટિંગ (ટૂંકા ગાળામાં ધાર્યાં પરિણામો મેળવવા માટે તદ્દન ઓછો આહાર લેવો) કરવાનું ટાળો.
- સ્વયં માટે - હું મેદસ્વી છું, હું સુંદર નથી – આવા નકારાત્મક વાક્યોનો ઉપયોગ ન કરશો.
- વાલી તરીકે તમારા સંતાન સાથે અમુક પ્રકારની વાતો ન કરો, જેમકે – જો તું મેદસ્વી હોઇશ, તો કોઇ તને ગમાડશે નહીં, તારાથી અમુક કાર્યો નથી થઇ શકતાં.
- વારંવાર કેલરી અને વજનની ગણતરી કરવાથી દૂર રહો. ધ્યાન રાખોઃ “શું તમારા વિચારો સતત વજન અને સંખ્યાની આસપાસ ફરતા રહે છે? શું આવા વિચારો તમને મદદરૂપ થઇ રહ્યા છે કે, તમને વધુ દુઃખી કરી રહ્યા છે?
શું કરવું:
- કોઇ તમને ખીજાવે, તો તેનાથી ક્રોધિત ન થશો, કારણ કે, તમારો દેખાવ એ તમારા વ્યક્તિત્વનું એકમાત્ર પાસું નથી. શારીરિક દેખાવ સિવાય પણ વ્યક્તિમાં એવું ઘણું બધું હોય છે, જે તેને મજબૂત અને વધુ સુંદર બનાવે છે. તમારી જાતને પૂછો કે, તમારી કઇ ત્રણ બાબતો તમને સૌથી વધુ પસંદ છે?
- તમારી જાતને પૂછો કે, શું તમારા વિચારો કેવળ અભિપ્રાય છે કે તે વાસ્તવિકતા છે? કારણ કે, તમે જે વિચારો છો, તે તમારી માન્યતાની વ્યવસ્થા પર ઘણી ઊંડી અસર ઉપજાવે છે. જો તમે વિચારશો કે, તમે મેદસ્વી હોવાથી તમે ખરાબ દેખાઓ છો, તો તમારી જાતને પૂછો કે, શું મોડેલ કે સેલિબ્રિટીઝ પાતળાં હોય, તો જ તેઓ પ્રસિદ્ધિ મેળવે છે? ના, ઘણાં મોડલ્સ તેમના કુદરતી દેખાવથી ખુશ છે અને છતાં તેઓ સુંદર રીતે કામ કરી રહ્યાં છે.
- તમે જેવા છો, તેવા જ તમને સ્વીકારે, તેવા લોકોનું જૂથ બનાવો.
- લોકોનો સામનો કરતી વખતે આત્મવિશ્વાસ કેળવો, કારણ કે, બની શકે કે, લોકો તમે કેવા દેખાઓ છો, તે નહીં, પણ તમારી અંદર રહેલી પ્રતિભા જોવા ઇચ્છતા હોય.