ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના ગોરખપુરની રહેવાસી પ્રજ્ઞા મિશ્રા નો 6 મહિના પહેલા અકસ્માત થયો હતો જેમાં તેને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. પ્રજ્ઞાના માતાપિતાએ તેને ઘણી હોસ્પિટલોમાં સારવાર કરાવડાવી પરંતુ તેને સંપૂર્ણ રીતે ઠીક થવા માટે સર્જરી જ એકમાત્ર ઉપાય હતો.
પ્રજ્ઞાના પિતા ગોરખપુરના એક મંદિરમાં પૂજારી છે. કોરોનાને પગલે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં તેના ઘરની આર્થિક પરિસ્થિતિ વધુ કથળી અને તેઓ પ્રજ્ઞાના ઈલાજ માટે પૈસાની વ્યવસ્થા કરી શક્યા નહિ. આથી પ્રજ્ઞાએ એક ટ્વીટમાં સોનુ સૂદ પાસે મદદ માંગી હતી. જેનો અભિનેતાએ પ્રતિભાવ આપતા તેના ઓપરેશન માટે સહાય કરી હતી.
અભિનેતા સોનુ સૂદે ગાઝિયાબાદના એક ડૉક્ટરનો સંપર્ક કરી અને પ્રજ્ઞાની સર્જરી અંગે વાતચીત કરી હતી જે પછી તેમણે પ્રજ્ઞાને ગોરખપુરથી ગાઝિયાબાદ મોકલવા માટે તેના માતાપિતાને ટ્રેનની ટિકિટ મોકલી આપી હતી. પ્રજ્ઞાના માતાપિતા બુધવારે સવારે તેને લઈને ગાઝિયાબાદ પહોંચ્યા હતા અને તેને હીલિંગ ટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની બપોરે સફળ સર્જરી થઇ.
હીલિંગ ટ્રી હોસ્પિટલના ડૉક્ટર અખિલેશ યાદવે જણાવ્યું હતું કે પ્રજ્ઞાની સર્જરી સફળ થઇ છે અને તે ખૂબ જ જલ્દી ચાલતી થઇ જશે. સર્જરી પૂરી થઈ ગયા બાદ સોનુએ પણ ડૉક્ટરને ફોન કરી પ્રજ્ઞાની ખબર પૂછી હતી.
પ્રજ્ઞાના પિતા વિનોદકુમાર પાંડેએ જણાવ્યું હતું કે અનેક હોસ્પિટલોમાં પ્રજ્ઞાની સારવાર માટે એક લાખ રૂપિયાનો ખર્ચ માંગવામાં આવતા અમે તેના ઓપરેશન માટે અસમર્થ હતા. પ્રજ્ઞાએ સોશીયલ મીડિયા દ્વારા સોનુ સૂદનો સંપર્ક કર્યો હતો જે પછી તેમણે તરત જ આર્થિક વ્યવસ્થા કરતા મારી પુત્રીનું આજે સફળ ઓપરેશન થયું છે. તેમણે ભીની આંખે અભિનેતા સોનુ સૂદનો આભાર માન્યો હતો.