કોલંબો: શ્રીલંકાના શક્તિશાળી રાજપક્ષા પરિવાર માટે પાંચ ઑગસ્ટે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં અભૂતપૂર્વ છતાં સરળ મતદાર વિજય મેળવવો અને 225 બેઠકોની સંસદમાં 145 બેઠકો જીતવી તે રાજકીય હેતુઓ સ્થાપિત કરવામાં માત્ર પહેલું પગલું હતું.
શ્રીલંકા પોદુજના પેરામુના (એસએલપીપી) એ રાજપક્ષાનો પારિવારિક પક્ષ છે. તે હવે લોકોના જંગી જનાદેશનો ઉપયોગ કરી ચૂંટણીમાં ધરમૂળથી સુધારા કરવા કટિબદ્ધ છે. આ રીતે પૂર્વ પ્રશાસન દ્વારા લેવાયેલાં અનેક પગલાંઓને તે પલટાવી નાખશે. તેમાંનો એક છે બંધારણનો ૧૯મો સુધારો. નવી સરાકર બનાવવા, પ્રમુખ ગોતાબાયા રાજપક્ષાએ બે વખત પ્રમુખ રહી ચૂકેલા અને મોટા ભાઈ મહિન્દા રાજપક્ષાને ગઈ કાલે સવારે (9 ઑગસ્ટે) દેશના નવા વડા પ્રધાન તરીકે શપથ અપાવ્યા. નવું પ્રધાનમંડળ બૌદ્ધ આસ્થાના સૌથી જાણીતા કેન્દ્ર અને કંદયાન રાજાના છેલ્લા મહેલ, કેન્ડીમાં ઐૈતિહાસિક ટેમ્પલ ઑફ ટૂથના રૉયલ ઑડિયન્સ અથવા મગુલ મદુવામાં શુક્રવારે (14) શપથ લેશે.
એવી અપેક્ષા છે કે પ્રધાનમંડળમાં ૨૬થી વધુ પ્રધાનો નહીં હોય, જોકે અન્ય ત્રણ ડઝન ઉપ અને રાજ્ય પ્રધાનો કે જે નવી સરકારમાં વિશેષ ફરજો સંભાળશે તેમની બે પ્રાથમિકતાઓ છે : બંધારણીય સુધારાઓ અને કોરોનાગ્રસ્ત ટાપુના અર્થતંત્રને પુનઃ ધબકતું કરવું.
ટાપુના બંધારણના 19મા સુધારા હેઠળ, રાષ્ટ્રીય સરકાર રચાય તો તેવા સંજોગોમાં 45 પ્રધાોનું પ્રધાનમંડળ રચવું સંભવ છે. ૧૯મા સુધારાને સંપૂર્ણપણે પાછા ખેંચવાની વાત પ્રચારમાં કરી હોવાથી, એસએલપીપી કાં તો તેને પાછો ખેંચશે અથવા ઓછામાં ઓછું, સુધારામાં મહત્ત્વનાં પરિવર્તનો દાખલ કરશે જે તેની જોગવાઈઓનો ઉપયોગ કરે છે. તેના બદલે એસએલપીપી નાનું પ્રધાનમંડળ રાકવાનું પસંદ કરે છે જેમાં તેના રાજકીય સાથીઓ નહીં હોય. તેના કારણે બીજા પર આધાર રાખવાના બદલે તે પોતાના નિર્ણયો લઈ શકશે અને અસરકારક વિપક્ષના અભાવવાળી સંસદમાં તેના હેતુઓને આગળ ધપાવી શકશે.
પારિવારિક શાસન
એસએલપીપીનાં આંતરિક વર્તુળો મુજબ, સૌથી મોટી રાજકીય શક્તિ રાજપક્ષા છે જેમણે મતદારોને એ સમજાવવામાં સફળતા મેળવી છે કે પ્રતિનિધિત્મક લોકશાહીના વેશમાં પારિવારિક શાસનથી રાષ્ટ્રનું હિત સાધી શકાય છે, અહીં વાત બહુમતીના હિતની છે. શ્રીલંકામાં ચૂંટણીનાં પરિણામો વૈશ્વિક સ્તરે જમણેરી રાજકારણમાં ઊછાળાનું પ્રતિબિંબ છે જ્યાં મતદારોના નિર્ણયમાં રાષ્ટ્રવાદ મોટી ભૂમિકા ભજવે છે અને રાષ્ટ્રની સુરક્ષા ટોચની પ્રાથમિકતા બની જાય છે. શ્રીલંકા જુદું ક્યાં પડે છે? તે વંશીય અને ધાર્મિક ધોરણે તીવ્ર રીતે વિભાજીત છે. તેથી જ કોઈ સંશય વગર રાજકીય સર્વોચ્ચતા માટે બહુમતી મતદારોએ એક રાજકીય પરિવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
શ્રીલંકાના મતદારોના સામાન્ય વર્તનથી બિલકુલ વિરુદ્ધ આ વાત છે. જોકે અહીં રાષ્ટ્રવાદ અને વિભાજન સતત વધતું જઈ રહ્યું છે. 1977માં યુનાઇટેડ નેશનલ પાર્ટી (યુએનપી)ના ભવ્ય વિજયને બાદ કરતાં શ્રી લંકાવાસીઓએ ચૂંટાયેલી સરકારોને માત્ર કામચલાઉ બહુમતી જ આપી છે, પરંતુ ૨૦૨૦માં અત્યંત રાષ્ટ્રવાદ, 2019ના ઇસ્ટર સન્ડે બૉમ્બ ધડાકાના પગલે સુરક્ષાની ચિંતા અને મુખ્ય વિપક્ષોના રાજકારણને પ્રચંડ નકારના સંયોજનના કારણે શ્રી લંકા પોદુજના પેરામુના (એસએલપીપી)ને અભૂતપૂર્વ વિજય સાંપડ્યો છે.
પારિવારિક શાસનનો માર્ગ
વડાપ્રધાન પદના ઉમેદવાર મહિન્દા રજપક્ષા ઑગસ્ટની હરીફાઈમાં સૌથી સફળ તરીકે ઉભરી આવ્યા, તેમણે ૫,૨૭,૩૬૪ પસંદગીના મત મેળવીને સૌથી વધુ પસંદગીના મતો મેળવ્યા અને આ રીતે નવો વિક્રમ સ્થાપ્યો જેના કારણે ટાપુમાં તેઓ સૌથી લોકપ્રિય રાજકીય હસ્તિ છે તેવું પુનઃ પ્રતિપાદિત થયું.
રાજપક્ષા કુટુંબના પાંચ સભ્યો આ વખતે ચૂંટાઈ આવ્યા છે. તેમાંના ચાર પસંદગીની યાદીમાં ટોચમાં છે. મહિન્દા રાજપક્ષા (વાયવ્યમાં કુરુનેગલામાંથી), તેમનો પુત્ર નમલ (માતૃભૂમિ અંતરિયાળ દક્ષિણના હમ્બન્તોલામાંથી) અને પ્રથમ વાર ચૂંટણી લડનારા, ભત્રીજા શશીન્દ્રા રાજપક્ષા (અગ્નિમાં મોનેરગલામાંથી) અને નિપુણા રાનાવાકા (દક્ષિણમાં માતારામાંથી). વરિષ્ઠ સ્તરે, મહિન્દા અને તેમના મોટા ભાઈ ચમલ (અને શશીન્દ્રાના પિતા) છે, જ્યારે બીજા સ્તેર તેમના પોતાના પુત્રો અને ભત્રીજો છે. તે સાથે નવેમ્બરમાં ચૂંટાયેલા ગોતાબાયા રાજપક્ષા છે, જે મહિન્દાના નાના ભાઈ છે. તેઓ દેશના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. પક્ષનાં આંતરિક વર્તુળો કહે છે કે બસિલ રાજપક્ષા એસએલપીપીના નામાંકિત સભ્ય તરીકે સંસદમાં પ્રવેશે તેવી સંપૂર્ણ શક્યતા છે જે અભિનેતામાંથી રાજકારણી બનેલા જંયતા કેટાગોડાનું સ્થાન લઈ શકે છે.
જેની નવાઈ નથી લાગતી તે છે રાજપક્ષા પરિવારની ખૂબ જ લોકપ્રિયતા, જે આ રાજકીય પરિવારે વર્ષોથી પોષી છે, પરિવારના સભ્યોને વિવિધ મતવિસ્તારોમાંથી ચૂંટણી લડાવી છે, અને આ રીતે, પરિવારનો ટેકો અને એસએલપીપી રાજકારણમાં પોતાનો પગ મજબૂત કર્યો છે.
અહીં હેરાન કરનારું વલણ મતદારોનો નિર્ણય છે જેણે સંપૂર્ણ રાજકીય સત્તા એક જ પરિવારના હાથોમાં પ્રતિનિધિત્મક લોકશાહીના પ્રયોગમાં આપી દીધઈ છે અને એક જ પરિવારને સંપૂર્ણ સત્તા મળી જાય તો તેનાં જોખમો શું હોઈ શકે છે તેનો વિચાર બાજુએ મૂકી દીધો છે. જોકે આવી પરંપરા એશિયાઈ રાજકારણમાં જાણીતી છે અને કાર્યપાલિકા અને વિધાનપાલિકા વચ્ચે તંદુરસ્ત સંતુલન સુનિશ્ચિત કરવા સત્તાની અલગતાના સિદ્ધાંતના પરિબળને નિષ્ફળ બનાવ્યું છે.
ચૂંટાયેલી સરકારનો આ પ્રયોગ યુનાઇટેડ નેશનલ પાર્ટી (યુએનપી)ને હાંકી કાઢવાની બદલાત્મક ઈચ્છાનો પણ પ્રતિઘોષ કરે છે. આ પક્ષનું શાસન તેના આરંભકાળથી મુશ્કેલીઓ વાળું રહ્યું છે. તે નબળો મોરચો રહ્યો છે જે ઘણી વાર તેના હેતુઓથી વિરુદ્ધ રહ્યો છે અને સુરક્ષામાં ખામીના કારણે એપ્રિલ ૨૦૧૯માં ઇસ્ટર સન્ડે બૉમ્બ ધડાકાઓ થતાં બહુમતીની ટીકાને પાત્ર બન્યો હતો. અને તે જ કારણ છે કે યુએનપી તેના આરંભકાળથી અત્યાર સુધીમાં સૌથી મોટી અપમાનજનક હાર જોઈ રહી છે. આનાથી વિરુદ્ધ, યુએનપીએ રાજપક્ષા પરિવાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા પણ તેને તેના શાસનમાં સાબિત કરવા માટે કંઈ કરી શકી નહીં. પરિણામે રાજપક્ષાને લોકોનો ભરોસો મળ્યો. રાજપક્ષાને મે ૨૦૦૯માં લિબરેશન ટાઇગર્સ ઑફ તમિલ ઇલમ (એલટીટીઇ) સામે યુદ્ધ જીતવા માટે યશ મળે છે અને તે સુરક્ષા માટે સતત સચેત રહે છે. રાજપક્ષા પરિવારે મતદારોની નસ બરાબર પકડી છે અને તેમણે સુરક્ષા કેન્દ્રિત પ્રશાસન અને મહત્ત્વના બંધારણીય સુધારા આપવા વચનો આપ્યાં છે.
બંધારણીય સુધારાઓ
તાજેતરના વિજયથી એસએલપીપી ૧૪૫ બેઠકો સાથે તેના સાથીઓના ટેકા સાથે ૧૫૦ની સંખ્યાએ આરામથી પહોંચી શકે છે જે ૨૨૫ સભ્યોના ગૃહમાં બે તૃત્તીયાંશ સંખ્યા છે. આ સરકારનો મુખ્ય ઉદ્દેશ જે. આર. જયવર્ધનેના ૧૯૭૮ના બંધારણને સુધારવાનો છે. અહીં પ્રાથમિક ઈચ્છા અગાઉની સરકારમાં દાખલ કરાયેલા 19મા સુધારાને કાં તો સુધારવાની અથવા પાછો ખેંચવાની છે. આ સુધારાએ અસરકારક રીતે કાર્યપાલિકાની સત્તા પર કાપ મૂક્યો હતો અને સ્વતંત્ર મહત્ત્વની સરકારી સંસ્થાઓ સ્થાપવા માર્ગ મોકળો કર્યો હતો, જેને અગાઉ કાર્યકારી પ્રમુખની સત્તા હેઠળ રખાઈ હતી. આવા પગલાથી અગાઉની સરકારે લીધેલાં પ્રગતિશીલ પગલાં મંદ થશે જેણે સુધારા દ્વારા સરકારી સંસ્થાઓને રાજકારણમુક્ત કરવા ધાર્યું હતું.
પ્રાંતીય પરિષદો જે ૧૩મા સુધારા હેઠળ સ્થપાઈ છે તેનું કાર્યક્ષેત્ર ઘટાડવા સુધારા દાખલ કરવાની પણ સંભાવના છે. શ્રી લંકા સરકાર દ્વારા બંધારણીય રીતે માન્ય વિકેન્દ્રીકરણની આ એકમાત્ર વ્યવસ્થા છે. આવા પગલાની ગંભીર રાજકીય અસરો પડી શકે છે. એક એવો બંધારણીય સુધારો જેના મૂળ 1987ની ભારતીય-શ્રી લંકા સંધિમાં છે. બીજો કાયદો જેમાં ફેરફાર થવાની સંભાવના છે તે છે માહિતીના અધિકારનો કાયદો. તે માત્ર ચાર વર્ષ પહેલાં દાખલ કરવામાં આવ્યો હતો અને વિશ્વમાં સૌથી માન્ય થયેલા આરટીઆઈ કાયદાઓ પૈકી છે.
વિપક્ષની ભૂમિકા
તેમના વિજય પર મુસ્તાક રહીને એસએલપીપી ઝડપી પગલાં અને તીવ્ર પરિવર્તનો કરવા તૈયાર છે. મહિન્દા રાજપક્ષાને ૯ તારીખે કેલાની રાજા મહા વિહાર્ય, જે જાણીતું બૌદ્ધ મંદિર છે ત્યાં વડા પ્રધાન પદના શપથ લેવડાવાયા હતા. નવી સંસદ ૨૦ ઑગસ્ટથી મળશે.
પરંતુ રાજકીય ઉદ્દેશ્યો પર કામ જોકે આર્થિક સમારકામના કારણે ખોરંભાઈ શકે છે કારણકે આ હિન્દ મહાસાગરનો ટાપુ અત્યારે તેના દેવાના બોજાના કારણે લથડિયાં ખાઈ રહ્યો છે. આ માટે તેને લોકોના આર્થિક બોજાને હળવો કરવાની જરૂર પડશે. લોકોની આર્થિક સ્થિતિ કૉવિડ-૧૯ રોગચાળાના કારણે ભારે અસર પામી છે અને લોકોને તેમણે જેને ટેકો આપ્યો છે તે સરકાર તરફથી રાહત પગલાંની આશા છે. આનાથી શ્રી લંકા જોખમની સ્થિતિમાં મૂકાશે. તેનાં દેવાં વધશે અને તે ચીનના પ્રભાવ તરફ વધુ ધકેલાશે.
દિલરુક્શી હન્દુન્નેત્તી કોલંબો સ્થિત રાજકીય સમીક્ષક અને સંશોધનાત્મક પત્રકાર છે.