નવી દિલ્હીઃ કમાન્ડિંગ ઓફિસર સહિત 20 જવાનો આપણે લદ્દાખમાં લાઇન ઑફ એક્ચુઅલ કન્ટ્રોલ (LAC) પર ગુમાવ્યા તે સ્થિતિની ગંભીરતના દર્શાવે છે. 1962 પછી ભારત અને ચીન વચ્ચેની આ સૌથી તંગ સ્થિતિ ઊભી થઈ છે. લોકો ઘણી વાર જાણવા માગતો હોય છે કે, સંબંધો બગડવા પાછળના મૂળ કારણો શું છે. ભૂગોળ શું છે અને હાલમાં બંને દળો વચ્ચે અથડામણ થઈ તેના પરિણામો શું આવશે. હું આ મુદ્દાઓ પર પ્રકાશ પાડવા કોશિશ કરીશ.
વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)
1962માં યુદ્ધ થયું ત્યારે ચીનની સેનાએ પશ્ચિમ લદ્દાખમાં 38,000 ચોરસ કિલોમિટર પ્રદેશ પર કબજો જમાવી દીધો હતો. ભારતીય ભૂમિ પર ચીનના કબજાના કારણે જે નવી વાસ્તવિક અંકુશ રેખા બની તે આજ સુધી LAC તરીકે ઓળખાતી આવી છે. નકશા પર LACની સ્પષ્ટપણે માપણી કરવામાં આવી નથી કે સ્થળ પર તેની નિશાનીઓ નથી, તેથી બંને દેશો હદ ક્યાં સુધીની ગણાય તે વિશે જુદુંજુદું માનતા રહ્યા છે.
ભારત અને ચીન બંનેના દળો પોતે ધારી લીધેલી LAC સુધી પેટ્રોલિંગ કરતા હોય છે. જે વિસ્તારમાં વિખવાદ વધારે હોય ત્યાં બંનેના સૈનિકો આમનેસામને આવી જાય છે. આ રીતે ટુકડીઓ સામસામે આવી જાય ત્યારે ઘર્ષણ ઉગ્ર ના બને તે માટે બંને દેશો વચ્ચે ઘણા કરારો થયા છે. પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી થઈ છે કે કઈ રીતે સરહદ પર વર્તન કરવું.
દાખલા તરીકે 2013ના ‘બોર્ડર ડિફેન્સ કૉઓપરેશન એગ્રીમેન્ટ’ની કલમ 8 પ્રમાણે:
“બંને પક્ષો સહમત થાય છે કે જે પ્રદેશમાં વાસ્તવિક અંકુશ રેખા વિશે સમાન ધારણા ના હોય ત્યાં બંનેના સુરક્ષા દળો સામસામે આવી જાય ત્યારે બંનેએ મહત્તમ સંયમ જાળવવો. ઉશ્કેરણી થાય તેવું કોઈ પગલું લેવું નહિ, બળપ્રયોગ કરવો નહિ કે બળપ્રયોગની ધમકી આપવી નહિ, એક બીજા તરફ વિવેકી વર્તન કરવું અને ગોળીબાર કે સશસ્ત્ર ઘર્ષણ થતું અટકાવવું.”
આ પ્રકારના સંયમિત વર્તનના નિયમોના કારણે બંને પક્ષો વચ્ચે 1975થી LAC પર શાંતિ જળવાઈ રહી છે. 1975માં સરહદ પર ઘર્ષણના કારણે ભારતના ચાર જવાનોના જીવ ગયા હતા. આ સ્થિતિ હવે બદલાઈ ગઈ છે અને ચીને મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઘૂસણખોરી કર્યા પછી આક્રમક મિજાજ દાખવ્યો છે.
પૂર્વ લદ્દાખની ભૌગોલિક સ્થિતિ
લદ્દાખને પહાડી રણ કહેવામાં આવે છે અને પૂર્વ લદ્દાખનો પર્વતીય પ્રદેશ તિબેટના ઉચ્ચપ્રદેશને અડીને આવેલો છે. પ્યોંયોંગ સરોરવ અને ગલવાર નદીની ખીણ 14,000 ફૂટની ઊંચાઈએ આવેલા છે. ગરમ પાણીનું ઝરણું 15,500 ફૂટની ઊંચાઈએ છે. આ જ વિસ્તારોમાં અત્યારે ચીન સામે ઘર્ષણ થઈ રહ્યું છે.
સૌથી વધુ તંગદિલી પ્યોંયોંગ સરોવર અને ગલવાન ખીણમાં થઈ છે. સરોવર બહુ લાંબું છે અને તેની ઉત્તર દિશામાં ક્યાં સરહદ આવેલી છે તે વિશે ભારત અને ચીન વચ્ચે એકમતી નથી. સરોવરના અમુક હિસ્સા સુધી બંને દેશોએ દાવો કરેલો છે અને તે વિસ્તાર સુધી બંને દેશના સૈનિકો પેટ્રોલિંગ કરતા રહ્યા છે.
ચીનનો દાવો છે કે સરોવર પરના ફિંગર 4 પર LAC આવેલી છે, જ્યારે ભારતનું માનવું છે કે LAC ફિંગર 8 પર શરૂ થાય છે. હાલમાં ચીન જે જમીનને પોતાની ગણાવે છે ત્યાં સુધી ટુકડીઓ મોકલીને અડ્ડો જમાવ્યો છે. ચીની સૈનિકો આડા પડીને ભારતના સૈનિકોને તેની ધારણા પ્રમાણેની LAC સુધી પેટ્રોલિંગ કરવા દેતી નથી.
ગલવાન ખીણમાં ભારતે એક રસ્તો તૈયાર કર્યો છે તે દૌલત બેગ ઓલ્ડી સુધી જાય છે. તે રસ્તાથી અંદાજે છ કિમી દૂર LAC આવેલી છે. દૌલત બેગ ઓલ્ડી પર વિશ્વની સૌથી ઊંચાઈ આવેલી હવાઈ પટ્ટી છે અને ત્યાં સુધી રસ્તો જાય છે. આ એક માત્ર એવો રસ્તો છે તે બારે મહિના ખુલ્લો રહે છે અને ઉત્તરમાં આપણા સૌનિકો સુધી પુરવઠો પહોંચાડી શકાય છે. દાર્બુકથી આ રસ્તો શરૂ થાય છે અને 255 કિલોમિટર દૂર દૌલત બેગ ઓલ્ડી સુધી જાય છે. આ રસ્તાનું બાંધકામ 2000ના વર્ષથી શરૂ થયું હતું, પરંતુ શ્યોક નદી પર કોઈ બ્રીજ ના હોવાથી રસ્તાનો ઉપયોગ સેના કરી શકતી નહોતી. આખરે 2019માં કાયમી બ્રીજ પણ તૈયાર થઈ ગયો અને તેનું ઉદ્ધાટન સંરક્ષણ પ્રધાનના હસ્તે થયું હતું. આ રીતે રસ્તો હવે વ્યૂહાત્મક રીતે અગત્યનો બની ગયો છે, કેમ કે હવે લદ્દાખના ઉત્તર વિસ્તારોમાં બહુ ઝડપથી સૈનિકો અને સામાન મોકલી શકાય છે.
જો ચીની દળો ગલવાન ખીણમાં થઈને LAC વટાવીને આગળ વધે તો આ રસ્તાને વચ્ચેથી અટકાવીને જોખમ ઊભું કરી શકે છે. તેથી જ ભારતીય સૈનિકોએ આ વિસ્તારમાં ચીની સૈનિકોનો પગપેસારો થાય તેની સામે ઉગ્ર વિરોધ કર્યો છે. આવા એક ઘર્ષણ દરમિયાન જ15 જૂને હિંસા થઈ અને તેમાં ભારતે 20 સૈનિકોને ગુમાવવા પડ્યા.
સ્થિતિ કેટલી ગંભીર છે?
ભૂતકાળમાં પણ કેટલીક વાર આવી સામસામે આવી જવાની ઘટનાઓ બની છે. 2013માં દેપસાંગમાં, 2014માં ચુમારમાં અને 2017માં દોકલામમાં આ રીતે જ દળો સામસામે આવીને ઊભા રહી ગયા હતા. પરંતુ તે ઘર્ષણ સ્થાનિક પ્રદેશ પૂરતું જ સિમિત રહ્યું હતું અને બંને પક્ષોએ હિંસા કર્યા વિના તેનો ઉકેલ આણ્યો હતો. આ વખતે ચીની સેનાએ જે પગલું ભર્યું છે તે એકદમ અલગ છે.
ચીની સેનાએ LACના વિવિધ સેક્ટરમાં સૈનિકોની જમાવટ કરી છે. ઉચ્ચ કક્ષાએ મંજૂરી બાદ જ મોટી સંખ્યામાં દળો સરહદ નજીક ગોઠવી દેવાયા છે. ચીની સૈનિકો સાથે ઘર્ષણમાં બધા જ ધારાધોરણો પડતા મૂકી દેવાયા અને જે રીતે હિંસા થઈ તે ગંભીર બાબત છે. બંને પક્ષો તરફથી પ્રોટોકોલ પળાતો હતો તે તદ્દન પડી ભાંગ્યો હોય તેમ લાગે છે.
ચીનની આક્રમકતાને કારણે ભારતીય સૈનિકો કેવી રીતે LAC પર કામગીરી કરશે તેના નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. તેના કારણે વધારે આક્રમક વર્તન જોવા મળે તેવું બને. તેની અસર સરહદે વ્યવસ્થા પર લાંબા ગાળાની પડશે અને નજીકના ભવિષ્યમાં LAC પર સ્થિતિ તંગ રહેશે તેમ લાગે છે.
ભારત અને ચીનના સંબંધો પર પણ આની અસર થશે. તેવું દેખાવા પણ લાગ્યું છે. દેશભરમાં ચીનવિરોધી લાગણી ઊભી થઈ છે. આ મડાગાંઠનો ઉકેલ ગમે તે રીતે લવાશે, પરંતુ લોકોના મનમાં ચીને જે રીતે લશ્કરી તાકાતથી ધમકાવાની વાત કરી છે તે ક્યારેય ભૂલાશે નહિ.
લેફ્ટ. જનરલ ડી.એસ. હૂડા નોર્ધન કમાન્ડના ભૂતપૂર્વ વડા છે અને તેમણે 2016માં સર્જિકલ સ્ટ્રાઇકની આગેવાની લીધી હતી