નવી દિલ્હીઃ તમિલનાડુમાં મંગળવારે કોરોના વાયરસના 50 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 124 થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આજે ચેપ લાગ્યાં છે તેવા 50 લોકોમાંથી 45 લોકોએ દિલ્હીમાં નિઝામુદ્દીન તબલીઘી જમાતનાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં દેશ-વિદેશમાંથી 5 હજારથી વધારે લોકો આવ્યા હતાં, લોકડાઉન શરૂ થયુ ત્યારથી અહીં આશરે 2000 લોકો રોકાયા હતા. હાલ ડીટીસી બસો મારફતે 32-32 લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યાં છે.
નિઝામુદ્દીનમાં મરકજનું આયોજન કરનાર પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે, અહીંથી 24 પોઝિટિવ કેસ મળી આવ્યાં છે. આ અંગે ગૃહ મંત્રાલયે કહ્યું કે, નિઝામુદ્દીન મરકજ બાદ 824 વિદેશી દેશના અનેક ભાગોમાં ગયા છે. આ કાર્યક્રમમાં સામેલ લોકોથી દેશમાં કોરોના સંક્રમણ ફેલાવાની આશંકા છે.
1500માંથી 1130 લોકો પરત ફર્યા હતા
તમિલનાડુની આરોગ્ય સચિવ નીલા રાજેશે મંગળવારે કહ્યું કે, આશરે 1,500 લોકોનું મોટું જૂથ દિલ્હી ગયું હતું અને તે જૂથમાંથી ઘણાને ચેપ લાગ્યો હતો. જેમાંથી 1130 લોકો પાછા ફર્યા છે અને બાકીના દિલ્હીમાં છે. જે 1130 લોકો પરત ફર્યા છે. તેમને પકડવા માટે રાજ્યના ઘણા જિલ્લામાં શોધખોળ કરી હતી. જેમાંથી 515ની ઓળખ થઈ ગઈ છે.
મહત્વનું છે કે, નિઝામુદ્દીન ખાતે આવેલા મરકજ બિલ્ડિંગમાં એકઠા થયેલા લોકોમાંથી 24 લોકો પોઝિટિવ નીકળ્યા છે. આ માહિતી દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આપી હતી. તેમણે જણાવ્યું કે, સોમવારે અત્યાર સુધી 300 લોકોને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. આ સાથે જ 700થી 800 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે, જ્યારે દેશમાં લોકડાઉન હતું, એ વખતે આ પ્રકારની પ્રવૃત્તિ કરવી ગુનો છે, પણ આ લોકો કેવી રીતે ભેગા થઈ ગયાં એની ખબર જ ન પડી.