જમ્મુ: એક વર્ષ કરતા વધુ સમય પછી કાશ્મીર અને જમ્મુના પ્રદેશોના દરેક જિલ્લામાં પરીક્ષણ આધારિત 4G મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પુન:સ્થાપિત કરવામાં આવી છે. રવિવારે એક સત્તાવાર આદેશમાં આ માહિતી આપવામાં આવી છે.
થોડા દિવસો પહેલા કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, એક વિશેષ સમિતિ જમ્મુ-કાશ્મીરના એક-એક જિલ્લામાં પરીક્ષણ આધારિત 15 ઓગસ્ટ પછી આ સુવિધાની અનુમતિ દેવા પર વિચાર કરી રહી છે. જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, કાશ્મીરના ગાંદરબલ જિલ્લા અને જમ્મુ ક્ષેત્રના ઉધમપુરમાં ઝડપી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક અસરથી પુન:સ્થાપિત કરવામાં આવશે. જેમાં જણાવાયું છે કે, આવતા મહિનાના 8 સપ્ટેમ્બર સુધી આ સેવા માન્ય રહેશે.
આ ઓર્ડરમાં જણાવાયું છે કે, પોસ્ટપેડ ગ્રાહકોને હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવશે. જ્યારે પ્રીપેઇડ ગ્રાહકો ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ આ સેવાનો લાભ મેળવી શકશે. ગત વર્ષે 5 ઓગસ્ટે કેન્દ્રએ જાહેરાત કરી હતી કે, જમ્મુ-કાશ્મીરને રાજ્યનો વિશેષ દરજ્જો રદ કરવામાં આવશે અને તે બે કેન્દ્ર શાસિત પ્રદેશો, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવશે, જેના થોડા દિવસો પહેલા ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. બાદમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાં તબક્કાવાર રીતે ઓછા સ્પીડની ઇન્ટરનેટ સેવાઓ પુન:સ્થાપિત કરવામાં આવી હતી.