ઉત્તર પ્રદેશ: ચિત્રકૂટ જિલ્લામાં એક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગમાં 47 મકાનો સપડાયા હોવાનું પોલીસે સોમવારે જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, જિલ્લાના સુરવાલ ગામમાં રવિવારે સાંજે આગ લાગી હતી. રાજપુર પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) ગુલાબચંદ્ર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, રવિવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ એક મકાનમાં આગ લાગી હતી. જે બાદ વાવાઝોડાને કારણે ઝડપથી ફેલાઈ હતી. આ વિસ્તારમાં 50 પરિવારો રહે છે.
ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. આ આગમાં લાખો રૂપિયાની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. હાલ મહેસૂલના અધિકારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. આગમાં એક મહિલા તેમજ 4 પ્રાણીઓના મોત નિપજ્યા છે.
ગામના વડા શબ્બીર ખાને આરોપ લગાવ્યો છે કે, ઘટનાની જાણ કર્યાના બે કલાક બાદ ફાયર ટેન્ડર આવ્યા હતા. ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં તો બધુ બળીને ખાખ થઈ ગયું હતું.