પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહે કહ્યું છે કે, શીખ રમખાણ રોકી શકાયા હોત. ડૉ. સિંહે કહ્યું કે, જો તત્કાલીન ગૃહપ્રધાન નરસિંહ રાવે ઇન્દ્રકુમાર ગુજરાલની સલાહ મુજબ કાર્યવાહી કરી હોત તો શીખ રમખાણો રોકી શકાયા હોત.
પૂર્વ વડાપ્રધાન ઈન્દ્રકુમાર ગુજરાલની 100મી જન્મજયંતિના અવસરે નવી દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ.મનમોહન સિંહે કહ્યું કે, 'જ્યારે 1984ની દુખદ ઘટના બની એ સાંજે ગુજરાલજી તત્કાલીન ગૃહ પ્રધાન નરસિંહ રાવને મળ્યા હતા અને કહ્યું હતું કે, સ્થિતિ ઘણી ગંભીર છે. સેનાને જલદી બોલાવવી જરુરી છે.
ડૉ.મનમોહન સિંહે કહ્યું કે, જો ઈન્દ્ર કુમાર ગુજરાલની સલાહ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો હોત તો, નરસંહાર રોકી શકાયો હોત. વધુમાં ડૉ.મનમોહન સિંહે પૂર્વ પીએમ ઈન્દ્ર કુમાર ગુજરાલ સાથે કટોકટીના સમય બાદ તેમના વ્યક્તિગત સંબંધો અંગે પણ વાત કરી હતી.
ડૉ. સિંહે કહ્યું કે, તેઓ માહિતી અને પ્રસારણ પ્રધાન હતા અને તેમને કટોકટી દરમિયાન મેનેજમેન્ટના કેટલાક મુદ્દાઓ અંગે સમસ્યા હતી અને ત્યારબાદ તેમની રાજ્ય પ્રધાન તરીકે યોજના આયોગમાં પોસ્ટીગ કરવામાં આવી હતી. હું તે સમયે નાણાં મંત્રાલયનો આર્થિક સલાહકાર હતો. બાદમાં અમારા સંબંધો વધુ ગાઢ બન્યા.
એપ્રિલ 1997થી માર્ચ 1998 દરમિયાન ઈન્દ્ર કુમાર ગુજરાલ ભારતના 12 વડાપ્રધાન હતા.
જૂન 1975માં ઈન્દ્ર કુમાર ગુજરાલનો સુચના અને પ્રસારણ પ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ મહત્વનો છે. જ્યારે ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાગૂ કરી હતી.
સમાચાર બુલેટિન અને સંપાદકોના સેન્સરનો ઇનકાર કર્યા બાદ 1976થી 1980 દરમિયાન ઈન્દ્ર કુમાર ગુજરાલને તત્કાલીન USSRમાં રાજદૂત બનાવવામાં આવ્યા હતા. 30 નવેમ્બર 2012ના રોજ પૂર્વ વડા પ્રધાન ઈન્દ્ર કુમાર ગુજરાલનું 92 વર્ષની ઉંમરે નિધન થયું હતું.