નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સરકારે કહ્યું છે કે, રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને લીધે મહામારીના પ્રકોપને નિયંત્રણમાં લાવવામાં મદદ મળી રહી છે.
દેશમાં શનિવારે સવાર સુધી કોવિડ 19ને લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 775 થઇ છે અને સંક્રમિતોની સંખ્યા 24 હજાર 506 પર પહોંચી છે.
સ્વાસ્થય મંત્રાલયે કહ્યું કે, દેશમાં રિપોર્ટ કરેલા કોવિડ 19ના કુલ 24,506 કેસમાંથી 77 વિદેશી નાગરિકો છે, ત્યારે દેશમાં કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા 18,668 છે, જ્યારે 5814 દર્દીઓ સ્વસ્થ થયા છે.
દેશમાં કોરોના વાઇરસના કેસમાં શુક્રવારે 1750થી વધુની વૃદ્ધિ નોંધાઇ હતી. જે ભારતમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સામે આવેલા કેસમાં સૌથી વધુ હતા. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સહિત વિભિન્ન પ્રદેશોમાં સંક્રમણના કેસ સૌથી વધુ છે.
સરકારે કહ્યું કે, મહામારીનો પ્રકોપ નિયંત્રણમાં છે અને જો રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગુ ન કરવામાં આવ્યું હોત તો સંક્રમણના કેસ અત્યાર સુધીમાં એક લાખથી વધુ થયા હોત.