ભુવનેશ્વર: ઓડિશામાં સોમવારે કોરોના વાઇરસના 14 નવા કેસ સામે આવ્યાં છે. જેમાં મોટા ભાગના કેસ એવા છે, જે સુરતથી પરત ફર્યા છે અને આ સાથે રાજ્યમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા વધીને 391 થઈ ગઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ માહિતી આપી હતી.
આરોગ્ય વિભાગથી મળેલી માહિતી મુજબ, રાજ્યના ગંજમ જિલ્લામાં 12 લોકોમાં કોરોના વાઇરસની પુષ્ટિ થઈ છે, જ્યારે એક એક કેસ સુંદરગઢ અને કેન્દ્રપાડા જિલ્લામાં નોંધાયો છે.
આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, ગંઝમ જિલ્લાના 12 લોકોમાં કોરોના ચેપની પુષ્ટિ થઈ છે, તેઓ તાજેતરમાં જ ગુજરાતના સુરતથી પરત ફર્યા છે અને તેમને કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. એક ચેપગ્રસ્ત વ્યક્તિ પણ કેન્દ્રપાડા જિલ્લામાં મળી આવ્યો છે. જે સુરતથી ઓડિશા આવ્યો હતો.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, 14 નવા કેસમાંથી 13 કેસ સુરતમાંથી આવ્યાં છે. પહેલાથી જ ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યા બાદ સુંદરગઢમાં એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરના કેસ સાથે ગંજમ જિલ્લામાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 137 થઈ છે. જે રાજ્યમાં સૌથી વધુ છે. સુંદરગઢ અને કેન્દ્રપાડામાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા અનુક્રમે 14 અને 9 છે.