ઉજ્જૈનઃ એસટીએફના પોલીસ વડા ગીતેશ ગર્ગના જણાવ્યા પ્રમાણે, તેમને બાતમી મળી હતી કે કેટલાક લોકો દુર્લભ વન્યજીવોની તસ્કરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે એસટીએફે અલગ અલગ બે ગેંગના 10 લોકોની ધરપકડ કરી છે.

પોલીસે એક ગેંગ પાસેથી દુર્લભ પ્રજાતિનું ગોલ્ડન ઘુવડ જ્યારે બીજી ગેંગ પાસેથી સાડા છ કિલોનો બે મોં વાળો સાંપ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, આ વન્ય જીવને એક-એક કરોડમાં વેચવાના હતાં. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ વન્યજીવની કિંમત ત્રણ-ચાર કરોડની આસપાસ થાય છે. ઘુવડનો ઉપયોગ તાંત્રિક ક્રિયામાં થાય છે. તેમજ સાંપનો ઉપયોગ દવા બનાવવામાં અને સેક્સ પાવર વધારવાની દવા બનાવવામાં થાય છે.

એસટીએફ નિરીક્ષક દીપિકા શિંદે માહિતી આપી હતી કે, આરોપીઓની પુછપરછ ચાલી રહી છે. તેમની સાથે કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ ચાલી રહી છે. વન્ય જીવોને વનવિભાગને સોંપાયા છે. આરોપીઓ સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.