વારાણસી : અયોધ્યામાં રામ મંદિર ખાતે 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ તૈયારીઓમાં વ્યસ્ત છે. દેશના ખૂણે-ખૂણે ઉપરાંત વિદેશથી પણ સામાન લાવવામાં આવી રહ્યો છે. દરેક ઘરમાં ભગવાન શ્રી રામ સાથે સંબંધિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાની સાથે રસ્તા પર શોભાયાત્રા, કળશયાત્રા અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક મંદિરમાં રામાયણના પાઠની સાથે સાથે ભજન-કીર્તનની તૈયારીઓ ચાલી રહી છે.
હર ઘર પ્રભુ રામ : દરેક ઘરમાં ભગવાન શ્રી રામ અને સનાતન ધર્મના ભગવા રંગની ધજા ફરકાવવા સાથે લોકોના અભિવાદન માટે શ્રી રામ નામના ખેસ પણ આપવામાં આવી રહ્યા છે. આ સમગ્ર આયોજન માટે કાશીમાં એક મોટું બજાર તૈયાર છે. 26 જાન્યુઆરીના અવસર પર તિરંગાની સાથે સાથે આ વખતે શ્રી રામ જન્મભૂમિ પ્રસંગ સાથે જોડાયેલી વસ્તુઓ પણ મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે. જેમાં ધજા-પતાકા અને ટોપી વગેરેનો સમાવેશ થાય છે. તેમની માંગ એટલી જોરદાર છે કે વેપારીઓ તેમના જૂના ઓર્ડર પૂરા કરવામાં એટલા વ્યસ્ત છે કે, તેઓ નવા ઓર્ડર લેવાનો ઇનકાર કરી રહ્યા છે.
રામ નામના ધજા-પતાકા : વારાણસીના રાજા દરવાજા વિસ્તારમાં ભગવાન શ્રી રામથી સંબંધિત તમામ વસ્તુઓનું મોટું બજાર તૈયાર છે. અહીંના વેપારી પરિમલ ગોયલનું કહેવું છે કે, દર વર્ષે 26 જાન્યુઆરીના અવસરે તેઓ ત્રિરંગા ધ્વજ અને તેને લગતી તમામ વસ્તુનો સારો બિઝનેસ કરતા હતા. પરંતુ આ વખતે નવેમ્બર માસથી જ શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે માત્ર તેને લગતી વસ્તુઓના મોટા ઓર્ડર આવી રહ્યા છે. જેમાં નાની ધજાથી માંડીને મોટા 15 ફૂટની ધજા સુધીની દરેક વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે. કેટલાક તો એટલી મોટી ધજા પણ છે જે બિલ્ડિંગના ઓછામાં ઓછા બેથી ત્રણ માળને આવરી લે છે. આ ઉપરાંત ભગવાન હનુમાન અને ભગવાન શ્રી રામના ચિત્રોવાળી ધજા સહિત જય શ્રી રામ લખલી ધજાની પણ ભારે માંગ છે.
દેશભરમાંથી આવ્યા ઓર્ડર : ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકની સાથે જ રામ મંદિર સંબંધિત પ્રિન્ટેડ ધજાની પણ સારી માંગ છે. આ ઉપરાંત બાઇક પર લગાવવા માટે બાઈક સ્ટેન્ડની ધજા, ગળામાં પહેરવા માટે દુપટ્ટા અને પતાકા, મંદિરો અને રસ્તાઓમાં લગાવવામાં આવતી જય શ્રી રામની માળા, ટોપી, હેન્ડ બેન્ડ સહિતની ચીજવસ્તુઓની ભારે માંગ છે. પરિમલ કહે છે કે નવેમ્બર મહિનાથી તેને માત્ર ઉત્તરપ્રદેશ કે પૂર્વાંચલથી જ નહીં, પરંતુ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મેઘાલય, આસામ અને નેપાળમાંથી પણ મોટા ઓર્ડર મળી રહ્યા છે.
સુરતમાં તૈયાર થશે ધજા : વેપારીઓ દરરોજ દુકાને પહોંચી અને તેમની ઈચ્છા મુજબ માલની ખરીદી કરી રહ્યા છે. વોટ્સએપ દ્વારા વેપારીઓને વિવિધ વસ્તુઓની તસવીરો પણ મોકલ્યા બાદ ઓર્ડર લેવામાં આવી રહ્યા છે. પરિમલનું કહેવું છે કે આ વખતે રામ મંદિર અનુષ્ઠાનના કારણે એક કરોડથી વધુની કિંમતનું આ માર્કેટ તૈયાર કરવામાં આવ્યું છે. વેપારીઓ પાસે એટલા બધા ઓર્ડર છે કે તેઓ ફક્ત જૂના ઓર્ડર પર જ ધ્યાન આપી રહ્યા છે. નવા ઓર્ડર પર કામ કરવામાં સક્ષમ નથી. તેનું બીજું મોટું કારણ એ છે કે આ ધજા સુરતમાં તૈયાર થાય છે. ત્યાં પણ વેપારી પાસે એટલું કામ છે કે તેઓ સમયસર માંગ પૂરી કરી શકતો નથી. જેના કારણે ઓર્ડર આપ્યા બાદ પણ સમયસર સામાન મળતો નથી.
આ દરમિયાન ગાઝીપુરથી સામાન લેવા આવેલા વેપારી દિગ્વિજય કહે છે કે તેમની પાસે એટલી માંગ છે કે તેઓ એક દિવસનો સમય કાઢીને વારાણસીના હોલસેલ બજારમાં આ વસ્તુઓ ખરીદવા આવે છે. જે પણ પ્રકારની ડિમાન્ડ આવી રહી છે તેવી વસ્તુઓ ખરીદવા બનારસના માર્કેટમાં પહોંચી રહ્યા છે.