મુંબઈ : ધુઆધાર તેજી નોધાવ્યા બાદ ભારતીય શેરબજાર ઉંધા માથે પટકાણુ છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 1628 અને 460 પોઈન્ટનો કડાકો બોલાવી નીચા મથાળે રેડ ઝોનમાં બંધ થયા હતા. આજે તમામ સૂચકાંક ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. સૌથી વધુ વેચવાલી બેન્કિંગ અને મેટલ સેક્ટરમાં નોંધાઈ હતી. NIFTY Bank ઇન્ડેક્સ પણ 2060 પોઈન્ટ એટલે કે 4.25 ટકા તૂટ્યો છે. HDFC બેન્કના શેરમાં સૌથી વધુ 8 ટકાનો ઘટાડો થયો હતો.
BSE Sensex : આજે 17 જાન્યુઆરી બુધવારના રોજ BSE Sensex ગતરોજના 73,128 બંધની સામે 1129 પોઈન્ટ ઘટીને 71,999 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં જ 72,485 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex સતત વેચવાલીના પગલે ગગડતો રહ્યો હતો. નબળા વલણના પરિણામે આશરે 1000 પોઈન્ટ તૂટીને 71,429 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે કોઈપણ સુધારો દાખવ્યા વગર BSE Sensex ઈન્ડેક્સ 1628 પોઈન્ટ તૂટીને 71,501 ના મથાળે બંધ રહ્યો હતો. જે 2.23 ટકાનો ઘટાડો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 460 પોઈન્ટ (2.09%) ઘટીને 21,572 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 385 પોઈન્ટ ઘટીને 22,032 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 21,851 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે 21,550 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો.
NIFTY Bank : આજે NIFTY Bank ગતરોજના 48,125 બંધની સામે 1551 પોઈન્ટ ઘટીને 46,574 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં જ 47,213 પોઈન્ટની ડે હાઈ બનાવી NIFTY Bank નબળા વલણના પરિણામે ગગડતો રહી 45,980 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે કોઈપણ સુધારો દાખવ્યા વગર NIFTY Bank ઈન્ડેક્સ 2061 પોઈન્ટ તૂટીને 46, 064 ના મથાળે બંધ રહ્યો હતો. જે 4.28 ટકાનો ઘટાડો દર્શાવે છે.
કોણ કેટલું પાણીમાં : આજે Sensex ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં HCL ટેક (1.34%), ટીસીએસ (0.60%), ઇન્ફોસીસ (0.55%), ટેક મહિન્દ્રા (0.54%) અને નેસ્લેનો (0.08%) સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરોમાં HDFC બેંક (-8.46%), ટાટા સ્ટીલ (-4.08%), કોટક મહિન્દ્રા (-3.66 %), એક્સિસ બેંક (-3.18%) અને ICICI બેંકનો (-2.85%) સમાવેશ થાય છે.
આજનો કારોબાર : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 546 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1610 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, ICICI બેંક, વિપ્રો અને ટાટા સ્ટીલના સ્ટોક રહ્યા હતા. આજે સૌથી વધુ વેચવાલી બેન્કિંગ અને મેટલ સેક્ટરમાં નોંધાઈ હતી. જ્યારે IT સેક્ટરમાં લેવાલી રહી હતી.
IPO અપડેટ : મેડી આસિસ્ટ હેલ્થકેર IPO સબ્સ્ક્રિપ્શન સ્ટેટસની વાત કરવામાં આવે તો QIB કેટેગરીમાં 5.60 ગણાં, NII કેટેગરીમાં 5.75 ગણાં અને રિટેલ કેટેગરીમાં 2.51 ગણાં એમ કુલ 4.09 ગણાં સબ્સ્ક્રિપ્શન થયા છે.