- કોરોના મહામારીને ધ્યાને લઈને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અંગે DGCAનો નિર્ણય
- આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી લંબાવાયો
- DGCA દ્વારા મંજૂરી આપવામાં આવેલી વિશેષ ફ્લાઇટ્સ આ નિયમો લાગુ પડશે નહીં
ન્યૂઝ ડેસ્ક : કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દેશના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય વ્યાપારી પેસેન્જર ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધો છે. સરકાર દ્વારા આપવામાં આવેલા સત્તાવાર પરિપત્રમાં આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય માલવહન સંચાલન અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા મંજૂર કરવામાં આવેલી વિશેષ ફ્લાઇટ્સ પર લાગુ કરવામાં આવશે નહીં.
ફ્લાઇટ્સ પર પ્રતિબંધ હટાવાયો
કોરોના મહામારીના ફેલાવાને રોકવા માટે, 23 માર્ચ, 2020 થી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કે, કોરોના વાઇરસના લીધે થયેલા લોકડાઉનને કારણે વિદેશમાં ફસાયેલા હજારો ભારતીય નાગરિકોને ભારત પરત લાવવા માટે 2020ના મે મહિનાથી 'વંદે ભારત મિશન' હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભારતનો એર બબલ કરાર
આ બાદ કેટલાક દેશો માટે પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા, જેની સાથે ભારતે છેલ્લા એક વર્ષ દરમિયાન "એર બબલ" કરાર કરીને ભારતીયોને પરત લાવવા વ્યવસ્થા કરી હતી. ઉલ્લેખનીય છે કે, બન્ને દેશો વચ્ચે "એર બબલ" કરાર ખાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના સંચાલનને મંજૂરી આપે છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને કરાયો નિર્ણય
જોકે ભારત 31 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય વ્યાપારી ફ્લાઇટ્સ પરથી પ્રતિબંધ હટાવવાનું વિચારી રહ્યું હતું, પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લેતા આ નિર્ણયને ફરી બદલાવવામાં આવ્યો છે.