- મહારાષ્ટ્રમાં વાવાઝોડાના વિનાશ બાદ રાજનીતિ ગરમાઈ
- મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ત્રણ કલાકના પ્રવાસમાં મેળવી નુકસાનની જાણકારી
- જેેને લઇ ભાજપે કરી હતી મુખ્યપ્રધાન ઠાકરેની આકરી ટીકા
મુંબઈઃ મહારાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત કોંકણ ક્ષેત્રની ઠાકરેની મુલાકાતના સમયગાળાની વિપક્ષે ટીકા કરી હતી. જેને લઇને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પલટવાર કરતાં કહ્યું છે કે તેઓ ઓછામાં ઓછા જમીન પરની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યાં હતાં અને હેલિકોપ્ટરમાં હવાઈ સર્વે કરી રહ્યાં ન હતાં. તેમની આ ટિપ્પણી સ્પષ્ટપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી, જેમણે તાજેતરમાં જ ગુજરાતમાં હવાઈ સર્વે કર્યો હતો. ગુજરાતમાં પણ વાવાઝોડાંથી નુકસાન થયું છે.
ફડણવીસે ઠાકરેની કાઢી હતી ઝાટકણી
તૌકતે વાવાઝોડા પછી નુકસાન પહોંચ્યું છે તેવા કોંકણમાં રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાની મુલાકાત ઠાકરેએ લીધી હતી અને પાક નુકસાનની આકારણી કરી બે દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતાં.જોકે ભાજપના નેતાઓએ તેમની મુલાકાતના સમયગાળાને લઇ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. જ્યારે પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ જાણીને આશ્ચર્ય અનુભવે છે કે ઠાકરે ફક્ત ત્રણ કલાકના કોંકણ પ્રવાસ દરમિયાન રાજકીય ટિપ્પણીઓ કરી રહ્યા હતાં. ત્યારે વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દારેકરે કહ્યું કે તેઓ જાણવા માગે છે કે મુખ્યપ્રધાને માત્ર ત્રણ કલાકમાં કેવી રીતે વાવાઝોડામાં થયેલાં નુકસાનની તલસ્પર્શી માહિતી મેળવી લીધી હતી.
આ પણ વાંચોઃ ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે રસીના સ્ટોક અને માર્ગદર્શિકા અંગે કરી ટિપ્પણી
અને ઠાકરેએ કર્યો પલટવાર
જ્યારે ભાજપે કરેલી ટીકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઠાકરેએ સિંધુદુર્ગના માલવણ ખાતે જણાવ્યું હતું કે, "મારો પ્રવાસ ચાર કલાક ચાલ્યો તે તો ઠીક છે. ઓછામાં ઓછું હું જમીન પર રહીને પરિસ્થિતિનો તાગ લઇ રહ્યો છું. હું ફોટો સેશન માટે હેલિકોપ્ટરમાં નથી ગયો. હું પોતે ફોટોગ્રાફર છું. હું અહીં વિપક્ષની ટીકાનો જવાબ આપવા નથી આવ્યો.'
સોમવારે રાત્રે ગુજરાતમાં આવીને વિનાશ વેરનાર તૌકતે વાવાઝોડાએ ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત પશ્ચિમ કાંઠે આવેલા અન્ય રાજ્યોને પણ અસર કરી હતી.
આ પણ વાંચોઃ કોરોના અંગેની કામગીરી અંગે વડાપ્રધાન મોદીએ કરી ઉદ્ધવ સરકારની સરાહના