બઠિંડાઃ જયારે સમગ્ર દેશ પ્રકાશના પર્વ એવા દિવાળીની ઉજવણી દીવા પ્રગટાવી, ફટાકડા સળગાવીને કરે છે ત્યારે પંજાબના બઠિંડાના ત્રણ ગામોમાં ઉજવાય છે 'મૌન દિવાળી'. તેનું મુખ્ય કારણ છે આર્મી કેન્ટોન્મેન્ટ અને એમ્યુનેશન ડેપો.
બઠિંડાના ફૂસ મંડી, ભાગુ અને ગુલાબગઢમાં સ્થાનિક તંત્ર તરફથી ફટાકડા ફોડવા અથવા અન્ય કંઈ ચીજ વસ્તુ સળગાવવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. આ ગામના વડીલો જણાવે છે કે અમે છેલ્લા 5 દસકાથી દિવાળી ઉજવી નથી. 1976માં અહીં મિલિટરી કેન્ટોન્મેન્ટ સ્થપાઈ ત્યારથી મોટા ભાગના વિસ્તારમાં આર્મીની ઈમારતોનું બાંધકામ કરવામાં આવ્યું છે.
આ ગામના બાળકો જ્યારે ફટાકડા ફોડવાની જીદ કરે ત્યારે તેમણે મોસાળ કે અન્ય સગાઓના ઘરે મોકલી દેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ફટાકડા ફોડતા કે બીજી કોઈ ચીજવસ્તુ સળગાવતા ઝડપાઈ જાય તો સ્થાનિક તંત્ર તેના પર કાયદેસરની કાર્યવાહી કરે છે.
દિવાળી ન ઉજવતા ગામ ફૂસ મંડીના લોકો જણાવે છે કે આર્મી દ્વારા એક્સપાયર થઈ ગયેલા એમ્યુનિશન (હથિયારો) અનેક વાર અહીં ડિટોનેટ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં અમારી પ્રોપર્ટીને પણ નુકસાન થાય છે. આ બાબતની અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ નક્કર ઉકેલ આવતો નથી.
ગામના લોકો ઉમેરે છે કે, એટલું જ નહીં અમને કોઈ પણ પ્રકારના બાંધકામની મંજૂરી નથી. આ ગામનો કોઈ ખેડૂત રાત્રે ખેતરને પાણી પીવડાવવા કે ચા બનાવવા અગ્નિ સળગાવે તો આર્મી તરત જ સ્થળ પર ધસી આવે છે અને આ વિસ્તારમાં આગ સળગાવવાનો પ્રતિબંધ હોવા છતાં કેમ આગ સળગાવી તેવી પુછપરછ કરે છે. આ પ્રશ્ન પ્રકાશના પર્વ દિવાળીમાં વિકટ બની જાય છે. દિવાળી સિવાય ડાંગરની સીઝનમાં પણ સર્વેલન્સ સઘન બનાવી દેવામાં આવે ત્યારે તકલીફ થઈ જાય છે.
આ ગામોની આસપાસ આર્મી કેન્ટોન્મેન્ટ અને એમ્યુનિશન ડેપો છે આ ઉપરાંત માર્ગોની વ્યવસ્થા પણ નથી. તેથી આ વિસ્તારોની જમીનના ભાવો બહુ ગગડી ગયા છે. આ ગામમાં રહેતા નાગિરકોના ઘરે સગા પણ કોઈ પ્રસંગે આવતા અચકાય છે, કારણ કે પ્રસંગની ઉજવણી મન મુકીને કરી શકાતી નથી.
ગ્રામ્યજનો સ્થાનિક તંત્ર પાસે આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ લાવવા માંગણી કરી રહ્યા છે. જેથી તેઓ પ્રકાશના તહેવાર અને અસત પર સતના વિજય એવા દિવાળી પર્વની શાંતિથી ઉજવણી કરી શકે.