- વાવાઝોડાને મનસ્વીપણે નામ આપવામાં આવતાં
- નામ અત્યંત તોછડું અને ક્રૂર સ્વરૂપનું ન હોવું જોઇએ
- 2018માં WMO/ESCAPમાં વધુ પાંચ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો
ન્યૂઝ ડેસ્ક: વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન (WMO) અને યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશ્યલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક (ESCAP) તરીકે ઓળખાતાં રાષ્ટ્રો(બાંગ્લાદેશ, ભારત, માલદિવ્ઝ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડ)ના જૂથે તે પ્રદેશમાં ફૂંકાતાં વાવાઝોડાંને નામ આપવાનું નક્કી કર્યું હતું. દરેક દેશે સૂચનો મોકલ્યા બાદ WMO/ESCAPની પેનલ ઓન ટ્રોપિકલ સાઇક્લોન્સ (PTC)એ આખરી યાદી તૈયાર કરે છે.
2018માં નવા 5 દેશોનો સમાવેશ કરાયો
થાઇલેન્ડે 2004માં આવેલા વાવાઝોડાને 'અમ્ફાન' નામ આપ્યું હતું. કોઇપણ મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાનાં નામોની યાદી તૈયાર કરવા માટેની એક પ્રક્રિયા છે. પ્રથમ યાદી 2004માં રજૂ થઇ હતી. જેમાં આઠ દેશોએ 64 નામો સૂચવ્યાં હતાં. અમ્ફાન એ તે યાદીમાં બાકી રહેલું છેલ્લું નામ હતું. 2018માં WMO/ESCAPમાં વધુ પાંચ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને યેમેનનો સમાવેશ થાય છે.
વાવાઝોડાને નામ આપવા પાછળનો હેતુ
વાવાઝોડાંને સંખ્યા અને તકનીકી સંદર્ભથી ઓળખવાને બદલે નામ આપવાથી લોકો સરળતાથી તેને યાદ રાખી શકે છે. સામાન્ય જનતા ઉપરાંત વૈજ્ઞાનિક સમુદાય, માધ્યમો, ડિઝાસ્ટર મેનેજર્સ વગેરેને પણ તેના કારણે મદદ મળી રહે છે. નામના આધારે જે-તે વાવાઝોડાને સહેલાઇથી ઓળખી શકાય છે, તેની ગતિવિધ અંગે જાગૃતિ ફેલાવી શકાય છે, સમુદાયની સજ્જતા વધારવા માટે ઝડપથી ચેતવણી આપી શકાય છે અને જ્યાં એક કરતાં વધુ સાઇક્લોનિક સિસ્ટમ મોજૂદ હોય, તેવા સ્થળોએ ગૂંચવાડો ટાળી શકાય છે.
20મી સદીમાં નામ આપવાની પ્રથા શરૂ થઈ
WMOના જણાવ્યા પ્રમાણે, શરૂઆતના સમયમાં વાવાઝોડાને મનસ્વીપણે નામ આપવામાં આવતાં હતાં. ત્યારબાદ, 20મી સદીના મધ્ય ભાગમાં વાવાઝોડાને નામ આપવાની શરૂઆત થઇ. હવે સભ્ય દેશોએ નામો સૂચવ્યા બાદ યાદીઓ તૈયાર કરવામાં આવી છે. શું તેનો અર્થ એ કે, કોઇપણ દેશ તેને યોગ્ય લાગે, તેવું નામ આપી શકે છે? ના, તે માટેના નિયમો છે -
- સૂચિત નામ રાજકારણ અને રાજકીય હસ્તીઓ, ધાર્મિક માન્યતાઓ, સંસ્કૃતિ અને જાતિ પ્રત્યે તટસ્થ હોવું જોઇએ
- નામની પસંદગી વિશ્વની કોઇપણ વસ્તીની લાગણી દુભાય નહીં, તે રીતે કરવી જોઇએ.
- નામ અત્યંત તોછડું અને ક્રૂર સ્વરૂપનું ન હોવું જોઇએ.નામ ટૂંકું અને બોલવામાં સરળ હોવું જોઇએ. વળી, તે કોઇપણ સભ્ય માટે અપમાનજનક ન હોવું જોઇએ.
- નામ વધુમાં વધુ આઠ અક્ષરનું હોવું જોઇએ.સૂચિત નામ તેના ઉચ્ચારણ અને વોઇસ ઓવર સાથે આપવું જોઇએ.
- જો ઉપર પૈકીનો કોઇ માપદંડ ન સંતોષાય, તો પેનલ કોઇપણ નામને રદ કરવાનો હક ધરાવે છે.
- જો કોઇ સભ્ય દ્વારા વાજબી વાંધો ઊઠાવવામાં આવે, તો તેવા કિસ્સામાં પીટીસીના વાર્ષિક સત્રમાં તેની મંજૂરીથી નામના અમલીકરણના સમય દરમિયાન ફાઇનલ થયેલાં નામોની પણ સમીક્ષા થઇ શકે છે.
- ઉત્તર હિંદ મહાસાગર પરનાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોનાં નામનું પુનરાવર્તન નહીં કરવામાં આવે. એક વખત નામ વપરાઇ ગયા પછી તે નામ ફરી વાપરવાવમાં આવશે નહીં.