અયોધ્યા : રામ જન્મભૂમિ સંકુલની સ્થાયી સુરક્ષા સમિતિની બેઠક મંગળવારે સાંજે અયોધ્યાના રામજન્મભૂમિ સંકુલમાં યોજાઈ હતી. આ બેઠકમાં એડીજી સુરક્ષા રઘુવીર લાલ, એડીજી ઝોન પીયૂષ મોરડિયા, કમિશનર અયોધ્યા મંડળ ગૌરવ દયાલ, આઈજી અયોધ્યા પ્રવીણ કુમાર સહિત અયોધ્યા જિલ્લાના ડીએમ અને એસપી અને સીઆરપીએફ અને પીએસી સહિત સુરક્ષા વિભાગ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ બેઠકમાં ચર્ચા દરમિયાન હાજર રહ્યાં હતાં.

સુરક્ષા મુદ્દે એઆઈના ઉપયોગ વિશે મંથન : 22મી જાન્યુઆરીએ સૂચિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવા સંદર્ભે થયેલી ચર્ચામાં મંદિરની સુરક્ષામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીના ઉપયોગ અંગે પણ મંથન કરવામાં આવ્યું હતું. અયોધ્યા રામ મંદિરની સુરક્ષામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવનાર છે. કમિશનર અયોધ્યા રેન્જ ગૌરવ દયાલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અયોધ્યામાં એક મોટો કાર્યક્રમ યોજાનાર છે, જેના માટે તૈયારીઓ કરવામાં આવી છે.
અમારી યોજના એ છે કે અયોધ્યામાં સુરક્ષા સંબંધિત પ્રવૃત્તિઓને કારણે સ્થાનિક લોકો અને અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે. અયોધ્યાની સુરક્ષાને વધુ મજબુત બનાવવા માટે 40 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જેના કારણે વિવિધ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈલેક્ટ્રોનિક સાધનોની ખરીદી અને તેને ચુસ્ત રાખવા સહિત અન્ય સુરક્ષા વ્યવસ્થા અંગેની દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવી છે. અયોધ્યાની સુરક્ષા પહેલેથી જ ખૂબ જ ચુસ્ત છે અને તેમાં કેટલાક વધુ ફેરફારો કરવા માટે ચર્ચા કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય 22 જાન્યુઆરીના કાર્યક્રમને સંપૂર્ણ સુરક્ષા સાથે વિશાળ પાયા પર આયોજિત કરવાનો છે. તમામ અધિકારીઓએ આ અંગે એક બેઠક યોજી છે...ગૌરવ દયાલ (કમિશનર, અયોધ્યા રેન્જ)
કર્મચારીઓને તાલીમ આપશે : જ્યારે આઈજી અયોધ્યા પ્રવીણ કુમારે કહ્યું કે અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે સમયાંતરે સમીક્ષા બેઠકો યોજવામાં આવે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સહારો લઈને રામ જન્મભૂમિ સંકુલની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવી છે. અમારો પ્રયાસ છે કે જાન્યુઆરી મહિનામાં પ્રસ્તાવિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે સુરક્ષા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવે જેથી સુરક્ષા વ્યવસ્થાની સાથેે આવનાર મહેમાનોનું સ્વાગત પણ સારી રીતે થાય.
વીઆઈપીઓ આમંત્રિતોના આવાગમનું પ્લાનિંગ : સુરક્ષા વ્યવસ્થામાં ફેરફારના સવાલ પર આઈજી પ્રવીણ કુમારે કહ્યું કે સુરક્ષા કોર્ડન પહેલાથી જ ત્રિસ્તરીય છે. આગામી દિવસોમાં વીઆઈપી આવાગમન વધુ કેવી રીતે વ્યવસ્થિત કરી શકાય તે અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી છે. જાન્યુઆરીમાં અયોધ્યામાં વીઆઈપી આવાગમન વધશે, જેથી કાર્યક્રમમાં આમંત્રિત કરાયેલા અન્ય ભક્તો અને સભ્યો કોઈપણ અવરોધ વિના સ્થળ પર લાવવા લઇ જવા માટેના આયોજનની ઊંડાણપૂર્વક વિચારણા કરી છે. અમે સમગ્ર કાર્યક્રમને ભવ્યાતિભવ્ય રીતે આયોજિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.