કાકરાપારઃ વડાપ્રધાને સોશિયલ મીડિયાના એક્સ હેન્ડલ પર જણાવ્યું છે કે, ભારતે બીજી એક સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતમાં 700 મેગાવોટ ઈલેક્ટ્રિક ન્યૂક્લિયર પાવર રિએક્ટરની શરૂઆત થઈ છે. આ રિએક્ટર સંપૂર્ણ કાર્યક્ષમતાથી કાર્યરત છે. આપણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વડાપ્રધાન મોદીએ આ પ્રોજેકટની સફળતાને ભારતની સિદ્ધિમાં વધુ એક સિમાચિન્હ ગણાવ્યું છે.
અમિત શાહે પાઠવી શુભેચ્છાઓઃ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ શુભેચ્છા પાઠવી છે. અમિત શાહે X હેન્ડલ પર જણાવ્યું છે કે ઊર્જા ક્ષેત્રે ભારતે આજે નવા આયામને હાંસલ કર્યો છે. સ્વદેશી 700 મેગાવોટ ઈલેક્ટ્રિક ન્યૂક્લિયર પાવર રિએક્ટર સંપૂર્ણપણે કાર્યરત થયું છે. આ રિએક્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ છે. હું આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક અને એન્જિનિયર્સને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું.
સમગ્ર દેશમાં 16 રિએક્ટર બનાવવાની યોજનાઃ ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ કાકરાપારમાં બે 700 મેગાવોટના દબાણયુક્ત હેવી વોટર રિએક્ટર નિર્માણની પ્રક્રિયામાં છે. અધિકારીઓ અનુસાર કાકરાપાર પરમાણુ ઊર્જા પરિયોજના (KAPP) 4ની નિર્માણ પ્રક્રિયા ચાલી રહી હતી. જેમાં મેના અંત સુધીમાં 96.92 ટકા કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. કંપનીએ દેશભરમાં 16 હેવી વોટર રિએક્ટર સ્થાપવાની યોજના બનાવી છે. આ રિએક્ટર 700 મેગાવોટ ક્ષમતાના હશે. ભારતમાં ઉરજના વિકલ્પોને લઈને ચર્ચાઓ થઇ રહી છે. ઉર્જાના ઉત્પાદન માટે આ પણ એક મોટો વિકલ્પ છે ત્યારે આવનારા સમયમાં ભારતમાં ઉર્જાને લઇને કોઈપણ પ્રશ્ન ઉભો થશે નહિ.