નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં ઘણા મોટા નિવેદન આપ્યા છે. જેમાં અમિત શાહે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી, PFI, રાહુલ ગાંધીની છબી, ખાલિસ્તાન, હિંડનબર્ગ-અદાણી વિવાદ, BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ, જી-20 સમિટની અધ્યક્ષતા અને શહેરોના નામ બદલવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
શહેરોના નામ બદલવા અંગે નિવેદન: અમિત શાહ પર મુઘલોના યોગદાનને ભુંસી નાખવા શહેરોના નામકરણના આરોપ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અમે મુઘલોના યોગદાનને દૂર કરવા માંગતા નથી. તેમજ અમે કોઈના યોગદાનને દૂર કરવા માંગતા નથી. પરંતુ જો કોઈ આ દેશની પરંપરાને સ્થાપિત કરવા માંગે છે, તો તેમાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ. અમારી પાસે એવું એક પણ શહેર નથી. જેનું જૂનું નામ અમે બદલી નાખ્યું હોય. અમારી સરકારોએ ઘણો વિચાર કરીને નિર્ણય લીધો છે.
અમદાવાદનું નામ બદલવા ઉઠી હતી માગ: ઉલ્લેખનીય છે કે ભાજપ જે ગુજરાત મોડલને સામે મૂકીને ચૂંટણી લડે છે એ ગુજરાતના અમદાવાદ શહેરનું બદલવા માટે થોડા સમય પહેલા માંગ કરવામાં આવી હતી. તેનું નામ બદલીને કર્ણાવતીનગર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરનું નામ પણ એક મુઘલ રાજા અહેમદશાહના નામ પરથી પડ્યું છે. 1411ના રોજ અહેમદશાહે અમદાવાદ શહેરનો પાયો નાખ્યો હતો. પોતાના નામ પરથી શહેરનું નામ અહેમદાબાહ રાખ્યું. જે પાછળ જતાં “અમદાવાદ” તરીકે ઓળખાયું.
આ પણ વાંચો: Amit Shah interview: ગૃહપ્રધાન અમિત શાહનું મોટું નિવેદન, અમે PFI પર સફળતાપૂર્વક પ્રતિબંધ મૂક્યો
દેશમાં PFI પર પ્રતિબંધ: ત્રિપુરા વિધાનસભા ચૂંટણીને લઈને અમિત શાહે જણાવ્યું કે આ વખતે ત્રિપુરામાં તમામ પાર્ટીઓ ભાજપથી ડરે છે. આ જ કારણ છે કે રાજ્યમાં લેફ્ટ પાર્ટી પણ આ વખતે કોંગ્રેસની સાથે આવી છે. દેશમાં PFI પ્રતિબંધ અંગે તેમણે કહ્યું, 'PFI કેડર પર ઘણા કેસ હતા, તેમને ખતમ કરવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને કોર્ટે અટકાવી દીધું હતું. અમે PFI પર સફળતાપૂર્વક પ્રતિબંધ મૂક્યો હતો. PFI દેશમાં કટ્ટરતા અને ધર્માંધતા વધારવા માટેનું સંગઠન હતું.
પૂર્વોત્તર રાજ્યો પર મોટું નિવેદન: ગૃહપ્રધાને કહ્યું, 'વડાપ્રધાન મોદીએ ઉત્તર-પૂર્વ અને બાકીના ભારત વચ્ચેનું અંતર ખતમ કર્યું છે. આજે, ઉત્તર-પૂર્વના લોકો તેમના હૃદયમાં અનુભવે છે કે અન્ય ભાગોમાં આપણું સન્માન છે. જો અન્ય રાજ્યોના લોકો ઉત્તર-પૂર્વમાં જાય છે તો તેઓ પણ તેમનું સન્માન કરે છે. બીજેપી દ્વારા ઘણા શહેરોના નામ બદલવા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, 'એવું એક પણ શહેર નથી જેનું જૂનું નામ ન હોય અને તેને બદલવામાં આવ્યું હોય. અમારી સરકારોએ આ અંગે ઘણું વિચારીને નિર્ણયો લીધા છે અને દરેક સરકારને આ કાયદાકીય અધિકાર છે.