મુંબઈ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગઈકાલે રાત્રે અચાનક મુંબઈ આવી પહોંચ્યા હતા. અમિત શાહના બહેનની મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેઓ ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે તેમના બહેનની ખબર પૂછવા માટે અહીં પહોંચ્યા હતા. મુંબઈ પહોંચ્યા બાદ તેઓ સીધા જ મુંબઈના ગિરગાંવની એચએન રિલાયન્સ હોસ્પિટલ પહોંચ્યા જ્યાં તેમના બહેનની સારવાર ચાલી રહી છે.
2 કલાક હોસ્પિટલમાં શાહ: અમિત શાહ મુંબઈ પહોંચ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે પણ શાહને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સમય દરમિયાન શિંદેએ શાહની બહેનની તબિયત વિશે જાણ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમિત શાહ હોસ્પિટલ પહોંચ્યા કે તરત જ તેમણે તેમની બહેનની તબિયત અંગે માહિતી મેળવી હતી. તેમજ આ મામલે તબીબો સાથે ચર્ચા કરી સારવાર અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.અમિત શાહના કેટલાક સંબંધીઓ પણ રાત્રે હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. શાહ લગભગ 2 કલાક સુધી તેમના બહેન સાથે રહ્યા હતા.
ખાનગી મુલાકાત: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પણ તબીબો સાથે ચર્ચા કરી સારવાર અંગે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી શિંદે આશરે 20 મિનિટ સુધી હોસ્પિટલમાં રોકાયા હતા. અને પછી ત્યાર બાદ તેઓ હોસ્પિટલેથી રવાના થયાં હતાં. આ તકે ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી પણ અમિત શાહને મળવા હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. અમિત શાહની આ ખૂબ જ અંગત મુલાકાત હતી. અમિત શાહ મુંબઈ આવ્યા હોવાની જાણ થતાં જ હોસ્પિટલની આસપાસ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી તો વરિષ્ઠ અધિકારીઓ પણ હોસ્પિટલે દોડી આવ્યાં હતાં.