નવી દિલ્હીઃ મોન્સૂન સત્રના છેલ્લા દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ત્રણ ઐતિહાસિક બિલ રજૂ કર્યા. તેમનો ઉદ્દેશ્ય અંગ્રેજોના સમયથી ચાલ્યા આવતા કાયદા ખતમ કરવાનો છે. ગૃહ પ્રધાને આઈપીસી, સીઆરપીસી અને ભારતીય પૂરાવા અધિનિયમને બદલતા બિલ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે આ બિલ પાસ થવાને પરિણામે આપણા કાયદા પર અંગ્રેજની જે છાપ છે તે હંમેશા માટે ખતમ થઈ જશે. આજે પણ સદર કાયદાઓમાં અંગ્રેજોના સમયના શબ્દો, પ્રતિકો અને સ્થળોનો ઉલ્લેખ છે. રજૂ થયેલા આ ત્રણેય બિલ ચર્ચા માટે સિલેક્ટ કમિટિને મોકલવાની વિનંતી પણ કરી.
આ ત્રણ બિલ શા માટેઃ આ બિલ મંજૂર થવાથી દેશમાં અપરાધિક ન્યાયિક પ્રણાલિમાં ઘરમૂળથી પરિવર્તન થશે. સામાન્ય નાગરિકોને આ બિલના સુધારાથી ઘણી રાહત મળશે. પોલીસના ખોટા અત્યાચારમાંથી મુક્તિ મળશે. પોલીસે ત્રણ મહિનામાં તપાસ પૂરી કરવી પડશે. કેસની સુનાવણી પણ એક સુનિશ્ચિત સમય મર્યાદામાં કોર્ટે પૂરી કરવાની રહેશે.
આ બિલોમાં મોબ લિંચિંગ અને સગીર સાથે બળાત્કાર માટે મૃત્યુદંડની જોગવાઈ રાખવામાં આવી છે. આ ઉપરાંત રાજદ્રોહ સંબંધિત મામલાઓમાં પણ સૂચક ફેરફાર કરવામાં આવ્યા છે...અમિત શાહ (કેન્દ્રીય ગૃહ પ્રધાન)
ન્યાય ઝડપી મળશેઃ જૂના કાયદાઓનું કામ બ્રિટિશ વહીવટીતંત્રને મજબૂત કરવાનું અને સુરક્ષિત કરવાનું હતું. 1860થી 2023 સુધી દેશની ફોજદારી ન્યાયિક પ્રણાલિ બ્રિટિશ કાયદા અનુસાર હતી. આજે રજૂ કરેલા ત્રણેય બિલોનો હેતુ સજા નથી પરંતુ ન્યાય છે. આજે જે બિલની રજૂઆત થઈ છે તેનાથી ભારતીય ગુનાહિત ન્યાયિક પ્રણાલિમાં ઘરમૂળથી પરિવર્તન આવશે. આપણા દેશમાં અંગ્રેજોએ તેમની સત્તા મજબૂત કરવા તેમજ તેમનું રાજ ટકી રહે તે માટે આ કાયદા બનાવીને ભારતીયો પર થોપ્યા હતા. આજે આ કાયદાઓનું સુધારા બિલ રજૂ કરીને આપણા ભારતીય કાયદા પર રહેલી અંગ્રેજોની છાપ હંમેશ માટે ભૂંસાઈ જશે તો વિશ્વાસ કેન્દ્રીય ગૃહ પ્રધાને સદનમાં વ્યકત કર્યો હતો.