ભુવનેશ્વર: પુણે જતી એરએશિયાની ફ્લાઈટને પક્ષી અથડાયા બાદ ભુવનેશ્વરના બીજું પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ (BPIA) પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સામે આવેલી માહિતી પ્રમાણે ભુવનેશ્વરથી ઉડાન ભર્યા બાદ તરત જ વિમાનને ટેક્નિકલ ખામીને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ઘટના બાદ વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.
ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ: ઈમરજન્સી લેન્ડિંગ પછી તરત જ એરક્રાફ્ટને થયેલા નુકસાનની તપાસ કરવામાં આવી હતી. બાદમાં ઉંડાણપૂર્વક તપાસ કર્યા બાદ ઉડાન ભરવાની પરવાનગી આપવામાં આવી હતી. પુણે જતી એર એશિયાની ફ્લાઇટનું ભુવનેશ્વરના બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના બાદ તરત જ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, એમ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું. વિમાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
તમામ મુસાફરો સુરક્ષિત: એર એશિયાએ જણાવ્યું હતું કે ભુવનેશ્વરથી પુણે જતી ફ્લાઈટ ટેક-ઓફ પછી પક્ષી સાથે અથડાઈ હતી અને વિગતવાર નિરીક્ષણ માટે ભુવનેશ્વર પરત આવી હતી. અમે મહેમાનોની કાળજી લઈ રહ્યા છીએ અને અન્ય નિર્ધારિત કામગીરી પર અસર ઘટાડવા પગલાં લઈ રહ્યા છીએ. બુધવારે આવી જ એક ઘટનામાં મસ્કત જતી સલામેયર ફ્લાઈટનું મહારાષ્ટ્રના નાગપુર એરપોર્ટ પર મોડી રાત્રે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરો સુરક્ષિત છે.
એન્જિનમાંથી ધુમાડો નીકળ્યો: પાયલોટને એન્જિનમાંથી ધુમાડો નીકળતો જણાયો. ત્યારબાદ તેણે એર ટ્રાફિક કંટ્રોલને એલર્ટ કર્યું, જેણે તેને નાગપુર જવા માટે નિર્દેશ આપ્યો. ઈમરજન્સી લેન્ડિંગ સમયે વિમાનમાં પાઈલટ સહિત 200 મુસાફરો અને ક્રૂ હતા. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર એશિયાના પ્લેનને પૂણેના રનવે પર ટાયરમાં તિરાડ મળ્યા બાદ પાર્ક કર્યું હતું.
આ પણ વાંચો: NIA attaches Al Umar chiefs House : પ્લેન હાઇજેક કેસમાં મુક્ત કરાયેલા આતંકવાદી મુશ્તાકની પ્રોપર્ટી જપ્ત
પક્ષીઓના અથડાવાના કેસમાં વધારો: ભારતના એવિએશન રેગ્યુલેટર, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના ડેટા અનુસાર 2021માં ફ્લાઈટ સાથે પક્ષીઓના અથડાવાને કારણે 27.25 ટકાનો વધારો થયો છે. જે 2020માં 1,152 ઘટનાઓથી વધીને 2021માં 1,466 પર પહોંચી ગયો છે. 91 દેશોના ડેટાના ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન (ICAO)ના સર્વે મુજબ એરલાઈન્સને દરરોજ સરેરાશ 34 પક્ષીઓના અથડાવાનો સામનો કરવો પડે છે.