નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમ દ્વારા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી જાવેદ મટ્ટૂની ધરપકડ બાદ સતત નવી માહિતી સામે આવી રહી છે. હકીકતમાં પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી છે કે જાવેદ અને તેના છ સહયોગીઓ લગભગ દોઢ દાયકાથી ભારત વિરુદ્ધ આતંકવાદી ષડયંત્રમાં સામેલ છે. આ તમામે પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લીધી હતી. તેના છ સહયોગીઓમાંથી બે પાકિસ્તાન ભાગી ગયા છે, જ્યારે ચાર અલગ-અલગ સમયે સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. તેના તમામ સહયોગીઓના નામ પણ સામે આવ્યા છે.
અબ્દુલ મજીદ ઝરગરઃ આમાં પહેલું નામ અબ્દુલ મજીદ ઝરગર ઉર્ફે શાહીનનું છે. તે મૂળ જમ્મુ અને કાશ્મીરના સોપોરનો રહેવાસી છે, જે હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલો છે અને ત્યાંથી હિઝબુલ મુજાહિદ્દીન કેડરના બીજા જૂથને સંભાળી રહ્યો છે. ત્યાંથી તેણે જાવેદ મટ્ટુને પણ સંભાળ્યો. તે ત્યાંથી આતંકવાદી ગતિવિધિઓ માટે નાણાં પૂરા પાડતો હતો અને જરૂર પડ્યે સરહદ પારથી શસ્ત્રો પણ પૂરો પાડતો હતો.
અબ્દુલ કયૂમ નઝરઃ આતંકવાદીઓમાં બીજું નામ અબ્દુલ કયૂમ નઝર છે, જેઓ ટ્રેન્ડ ટેરરિસ્ટ છે. તે પણ સોપોરનો રહેવાસી છે. તે સાત આતંકવાદીઓને ઓપરેટ કરતી ગેંગનો ઇનચાર્જ હતો. થોડા સમય પહેલા સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં તેનું મોત થયું હતું.
તારિક અહેમદ લોનઃ ત્રીજા આતંકવાદીનું નામ તારિક અહેમદ લોન છે જે પાકિસ્તાનનો ટ્રેન્ડ આતંકવાદી છે. તે જમ્મુ-કાશ્મીરના હંદવાડાનો રહેવાસી હતો. સુરક્ષાકર્મીઓથી બચવા માટે તેણે નદીમાં છલાંગ લગાવી દીધી, જે દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.
ઈમ્તિયાઝ કુંડુઃ ચોથા આતંકવાદીનું નામ ઈમ્તિયાઝ કુંડુ છે, જે જમ્મુ-કાશ્મીરના સોપોરનો રહેવાસી છે અને તે પાકિસ્તાન ટ્રેન્ડ આતંકવાદી પણ છે. તે 2015-16માં ભારતથી પાકિસ્તાન ભાગી ગયો હતો અને હાલમાં ત્યાંથી અબ્દુલ મજીદ ઝરગર સાથે કામ કરી રહ્યો છે.
મેરાજ હલવાઈઃ પાંચમા આતંકીની ઓળખ મેરાજ હલવાઈ તરીકે થઈ છે. તે જમ્મુ-કાશ્મીરના શિવપુરીનો રહેવાસી હતો. તાજેતરમાં જ એક એન્કાઉન્ટર દરમિયાન પાકિસ્તાન દ્વારા પ્રશિક્ષિત એક આતંકવાદીને સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો.
વસીમ ગુરુઃ આમાં સાતમા આતંકીની ઓળખ વસીમ ગુરુ તરીકે થઈ છે, જે સોપોરનો રહેવાસી છે. તે પણ સુરક્ષા દળોના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.