હરિયાણા : હરિયાણાના સિરસા જિલ્લામાં એક જીવલેણ માર્ગ અકસ્માત બન્યો છે. સિરસા જિલ્લાના ચોપટા જમાલ રોડ પર એક ટ્રેક્ટરની ટ્રોલી અનિયંત્રિત થતા પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ગોગામેડી જઈ રહેલા પંજાબના 4 શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા હતા. જ્યારે 20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સિરસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જીવલેણ અકસ્માત : મળતી માહિતી મુજબ ટ્રેક્ટર ટ્રોલીમાં લગભગ 40 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. બધા પંજાબના પાતડાથી રાજસ્થાનના ગોગામેડી ખાતે ધાર્મિક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેક્ટર ટ્રોલીએ સંતુલન ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક 8 વર્ષનો બાળક, 14 વર્ષનો યુવક, 16 વર્ષનો યુવક અને 60 વર્ષના એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. પંજાબના પટિયાલા આસપાસના ગામડાઓમાંથી તમામ લોકો ગોગામેડી દર્શન માટે જઈ રહ્યા હતા.
4 લોકોના કરૂણ મોત : 23 નવેમ્બર ગુરુવારના રોજ મોડી રાત્રે સિરસાના ચોપટા વિસ્તારમાં રાયપુર ગામ પાસે એક ટ્રેક્ટરની ટ્રોલી અચાનક પલટી ગઈ હતી. આ ટ્રોલીમાં મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત 35 થી 40 જેટલા લોકો સવાર હતા. આ ટ્રોલી પલટી જવાને કારણે ટ્રોલીમાં સવાર 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને 4 લોકોના મોત થયા હતા. ઘટનાસ્થળ પાસેના ખેતરમાં કામ કરતા લોકો ઘાયલોને આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતકોના મૃતદેહને સિરસાની સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા.
ટ્રેક્ટર ટ્રોલી પલટી : મળતી માહિતી અનુસાર સિરસા જિલ્લાના નાથુસરી ચોપટા વિસ્તારના ગામ રૂપવાસ નજીક નોહર ચોપટા રોડ પર ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાને કારણે મોટો અકસ્માત થયો હતો. ટ્રેક્ટર ટ્રોલીમાં 40 જેટલા સ્ત્રી-પુરુષ સહિત બાળકો મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલીની હૂક પિન નીકળી જવાના કારણે ટ્રોલી બેકાબૂ થઈ ગઈ અને પલટી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘાયલોની ચીસો સાંભળીને રૂપવાસ ગામના લોકો ચોંકી ઉઠ્યા અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત : આ બનાવમાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે નાથુસરી ચોપટાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સુવિધાઓના અભાવને કારણે ઈજાગ્રસ્તોને સિરસા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. માહિતી મળતાં જ ચોપટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસ તપાસ : જણાવવામાં આવી રહ્યું છે કે, આશરે 40 શ્રદ્ધાળુઓ પંજાબના પાતડા મંડીથી ટ્રેક્ટર ટ્રોલીમાં રાજસ્થાનના ગોગામેડી ધામના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં અકસ્માત સર્જાયો હતો. તપાસ અધિકારી સુભાષ ચંદ્રાએ કહ્યું કે, તેઓને માહિતી મળી હતી કે રાયપુર ગામ પાસે એક ટ્રોલી પલટી ગઈ છે જેમાં પંજાબથી આવેલા શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.