ન્યુઝ ડેસ્ક : માછીમારીનો વ્યવસાય ધરાવતા 100 જેટલા પરિવારોએ ઈચ્છા મૃત્યુ માટે હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી છે. વર્ષ 2016 થી પોરબંદરના ગોસાબારા બંદર પર તેમના બોટ પાર્ક કરવાના મૂળભૂત અધિકારો ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ દ્વારા તેમને હેરાન કરવામાં આવતા તેઓની ઇચ્છામૃત્યુની માગણી કરી છે.
કયા કારણોસર કરાઇ માગણી - માછીમારી અને બોટીંગનું લાયસન્સ હોવા છતાં પણ તેઓને તેમના હકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. આ બાબતે રાજ્યપાલ મુખ્યપ્રધાન અને પોરબંદર કલેક્ટર સહિતના લોકોને રજૂઆત પણ કરી ચૂક્યા છે. રાજ્ય સરકાર સામે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા ન લેવાતા તેઓ હાઇકોર્ટના શરણે ગયા છે. આ અરજી પર સુનાવણી વેકેશન બેન્ચ બાદ હાથ ધરવામાં આવશે.
ઇચ્છા મૃત્યુંનું કારણ - એડવોકેટ ધર્મેશ ગુજ્જર મારફતે દાખલ કરવામાં આવેલી અરજીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પોરબંદરના ગોસાબારા બંદર પાસે તેમના મૂળભૂત અધિકારો હોવા છતાં તેમને ત્યાં સરકાર દ્વારા બોટ પાર્ક કરવા ન દેવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એટલું જ નહીં જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે પણ નથી મળતી તેના લીધે આર્થિક સ્થિતિ પણ કથળી ગઇ છે. વિશેષ સમુદાય હોવાના લીધે સરકાર રાજકીય કિન્નાખોરી રાખી સુવિધા ન આપતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પાર્કિગનો મુદ્દો બનશે મોતનું કારણ - માછીમારો હોવાના કારણે તેમને બોટ લઈને જવાનું થતું હોય છે તે તેથી તેની પાર્કિંગ માટેની જગ્યા હોવી આવશ્યક છે. સરકારને આ બાબતે પાંચથી છ વર્ષ સુધી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમને કોઈ જગ્યા ઉપલબ્ધ કરાવવામાં નથી આવી રહી અને જો ગોસાબારા બંદર ખાતે શક્ય ના હોય તો નવી બંદર પાસે તેમને પાર્કિંગ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો- માછીમારી અને બોટીંગની લાઇસન્સ હોવા છતાં પણ તેઓ તેમના હક થી વંચિત હોવાના કારણે તેમની અત્યારે પ્રાથમિક સુવિધાની સાથે સાથે આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ કલેક્ટર, મુખ્યપ્રધાન અને રાજ્યપાલ સમક્ષ પણ તેમણે આ સમસ્યાની અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આ પ્રકારની ચિમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર મામલે વેકેશન બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે.