- જેસલમેર જિલ્લાની પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ચાલી રહ્યો છે અભ્યાસ
- ટાર્ગેટ પહેલા જ ગનનું બેરલ ફાટી જતા એક બીએસએફ જવાન શહીદ થયા
- ભૂજથી BSFની 1077મી બટાલિયન પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં અભ્યાસ માટે આવી
જેસલમેરઃ રાજસ્થાનની સહહદે આવેલા જેસલમેર જિલ્લાની પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં અભ્યાસ દરમિયાન 105 એમએમ ગનનો ગોળો ટાર્ગેટ પહેલા ફાટી ગયો હતો, જેના કારણે એક બીએસએફ જવાન શહીદ થયા છે. જ્યારે અન્ય ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા છે.
3 ઈજાગ્રસ્ત જવાનને સારવાર માટે જોધપુર મોકલાયા
આ અંગે મળતી માહિતી અનુસાર, ગુજરાતના ભૂજથી બીએસએફની 1077મી બટાલિયન પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં અભ્યાસ માટે આવી છે. ગઈકાલે મંગળવારની રાત્રે આર્ટિલરી અભ્યાસ દરમિયાન 105 એમએમ ગનના અભ્યાસ દરમિયાન આ ઘટના બની હતી, જેના કારણે 32 વર્ષીય બીએસએફ જવાન સતીષકુમાર શહીદ થયા છે. જ્યારે 3 ઈજાગ્રસ્ત જવાનોને પ્રાથમિક સારવાર માટે જોધપુર મોકલવામાં આવ્યા છે.
પોસ્ટમોર્ટમ પછી બીએસએફના અધિકારીઓને પાર્થિવ દેહ અપાશે
આ ઘટનામાં શહીદ થયેલા જવાનના પાર્થિવ દેહને પોખરણ સ્થિત રાજકીય ચિકિત્સાલય મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. અહીં પોસ્ટમોર્ટમ પછી બીએસએફ અધિકારીઓને પાર્થિવ દેહ પરત કરવામાં આવશે. લાઠી પોલીસ આ અંગે કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં 105 એમએમ ગનના અભ્યાસ દરમિયાન એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો.