- ન્યૂ કોયલાઘાટ બિલ્ડીંગના 13મા માળે અચાનક આગ લાગી
- આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી
- રેલવેએ આ ઘટના અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના કલકત્તામાં સ્ટ્રેન્ડ રોડ પર સોમવારે સાંજે ન્યૂ કોયલાઘાટ બિલ્ડીંગના 13મા માળે અચાનક આગ લાગી હતી, જેના કારણે 9 લોકોના મોત થયા છે. આ આગ લાગવાથી પેસેન્જર રિઝર્વેશન સર્વિસ સર્વરનો પાવર કટ કરી દેવામાં આવ્યો હતો, જેથી આગને ઝડપથી કાબૂમાં લાવી શકાય. પાવર કટના કારણે રેલવેની ટિકિટની ઓનલાઈન બુકિંગ સેવા સ્થગિત થઈ ગઈ છે. આ બિલ્ડીંગમાં ઈસ્ટર્ન રેલવેનું કાર્યાલય પણ છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં મોડી રાતે ભંગારના ગોડાઉનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં
કેન્દ્રિય રેલવે રાજ્ય સરકારને તમામ મદદ પહોંચાડશેઃ કેન્દ્રિય રેલવે પ્રધાન
કેન્દ્રિય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ ઘટના અંગે શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં 4 ફાયરમેન, 2 રેલવે કર્મચારી અને એક ASI સહિત 9 લોકોના મોત થયા છે. કેન્દ્રિય રેલવે પ્રધાને રેલવે તરફથી રાજ્ય સરકારને દરેક મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. પીયૂષ ગોયલે આ અંગે ટ્વિટ કરતા જણાવ્યું કે, આગના કારણે એક રેલવેના 4 અધિકારીઓના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય તપાસ કમિટી બનાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર: થાણેની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ, 32 ઇલેક્ટ્રિક મીટર રાખ
વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખની સહાયની કરી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આગની આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ વડાપ્રધાને આ ઘટનાના મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા સહાય કરવાની જાહેરાત કરી છે. જોકે, ઈસ્ટર્ન રેલવેએ કહ્યું, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવાયા છે.