- દિલ્હી મહિલા આયોગને માનવ તસ્કરી અટકાવવામાં મોટી સફળતા મળી
- 45 સગીરાઓને એરલિફ્ટ દ્વારા સુરક્ષિત ઝારખંડ પહોંચાડવામાં આવી
- ઝારખંડ મુખ્યપ્રધાને મહિલા આયોગ અધ્યક્ષની કરી પ્રશંસા
નવી દિલ્હીઃ દિલ્હી મહિલા આયોગને માનવ તસ્કરી અટકાવવામાં મોટી સફળતા મળી છે. ઝારખંડની અંદાજીત 45 સગીરાઓને એરલિફ્ટ દ્વારા ઝારખંડ તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી છે. ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને આ વિશે માહિતી આપી હતી. સગીરાઓને સલામત રીતે તેમના ઘરે પહોંચાડવા અને આ સમગ્ર બચાવ કામગીરી માટે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલના યોગદાની પણ પ્રશંસા કરી હતી.
ઝારખંડ મુખ્યપ્રધાન કાર્યાલયે કર્યું ટ્વીટ
ઝારખંડ મુખ્યપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને લખ્યું કે, ઝારખંડની 45 સગીરાઓને માનવ તસ્કરો દ્વારા દિલ્હી મોકલવામાં આવી હતી. મુખ્ય પ્રધાને સગીરાઓને શાલ ઓઢાડી સન્માનિત કરી છે. આ રેસ્ક્યૂમાં મહિલા આયોગ દિલ્હીના અધ્યક્ષનું યોગદાન પ્રશંસનીય હતું.
મુખ્યપ્રધાન કેજરીવાલે યુવતીઓને પરત ઘરે પહોંચાડવા આપ્યા આદેશ
મહિલા આયોગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, ગયા મહિને ઝારખંડની ઘણી સગીરાને દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી રેસ્ક્યૂ કરી બચાવામાં આવી છે. જેને પ્લેસમેન્ટ એજન્સી દ્વારા દિલ્હી લાવવામાં આવી હતી અને દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં વેંચવામાં આવી હતી. ત્યારબાદ ઝારખંડના મુખ્ય પ્રધાનને આ માહિતી આપવામાં આવી હતી અને તેમણે બચાવેલી સગીરાઓને પરત ઝારખંડ લાવવાની પહેલ કરી હતી અને આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો સંપર્ક કર્યો હતો. જે બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ મામલે ધ્યાન આપ્યું અને અધિકારીઓના સહયોગથી આખી પ્રક્રિયા જલદી શરૂ કરવા સૂચના આપી હતી. જે બાદ યુવતીઓ સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચી ગઈ છે.
ગેરકાયદે પ્લેસમેન્ટ એજન્સીઓ સામે કડક કાર્યવાહી
આયોગ વતી કહેવામાં આવ્યું છે કે રાજધાનીમાં ઘણી ગેરકાયદેસર પ્લેસમેન્ટ એજન્સીઓ ચાલી રહી છે, જેમના નિયમિતકરણ દ્વારા તેઓ સતત પોતાનો અવાજ ઉઠાવે છે. કારણ કે આ એજન્સીઓ માનવ તસ્કરીને પ્રોત્સાહન આપી રહી છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પહેલ બાદ છોકરીઓ તેમના ઘરે પરત ફરી છે, અને તેમના પુનર્વસન માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે, અમને આશા છે કે આ સગીરાનું ભવિષ્ય સુરક્ષિત અને ખુશહાલ રહશે.