મધ્યપ્રદેશ : શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં (KNP) વધુ બે ચિત્તા મુક્ત કરવામાં આવ્યા છે. આ અંગે એક વરિષ્ઠ વન અધિકારીએ જણાવ્યું હતું કે, હવે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્તપણે વિહરતા ચિત્તાઓની સંખ્યા 12 છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022 માં નામીબિયાથી 8 ચિત્તા ભારત લાવવામાં આવ્યા હતા જેમાં 5 માદા અને 3 નર હતા. PM નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 17 સપ્ટેમ્બરે દેશમાં ચિત્તાની આ પ્રજાતિને ફરીથી રજૂ કરવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે એક વિશેષ અભ્યારણમાં મુક્ત કર્યા હતા.
સોમવારે કુનો નેશનલ પાર્કના જંગલમાં 2 નર ચિત્તાને છોડવામાં આવ્યા છે. આ નર ચિત્તાઓના નામ પ્રભાષ અને પાવક રાખવામાં આવ્યા છે. આ બંને ચિત્તાને દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવ્યા હતા. આ સાથે 2023 18 ફેબ્રુઆરીના રોજ વધુ 12 ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા હતા. આ 7 નર અને 5 માદા ચિત્તાને દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા.-- પી.કે. વર્મા (ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર, શ્યોપુર)
6 ચિત્તાના મોત : કુનો નેશનલ પાર્કમાં માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ચિતા જ્વાલાની કુખે જન્મેલા ત્રણ બચ્ચા સહિત 6 ચિત્તા મૃત્યુ પામ્યા છે. માદા ચિત્તા જ્વાલાએ આ વર્ષે માર્ચ મહિનામાં કુનો નેશનલ પાર્કમાં 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. અગાઉ ભારતમાં છેલ્લો ચિત્તો 1947માં વર્તમાન છત્તીસગઢના કોરિયા જિલ્લામાં મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ 1952માં આ પ્રજાતિને દેશમાંથી લુપ્ત જાહેર કરવામાં આવી હતી.
તંત્રની કામગીરી : ઉલ્લેખનિય છે કે, અગાઉ ચિત્તા કુનો નેશનલ પાર્ક છોડીને માનવ વસ્તીના ગામો તરફ ભાગ્યા હોવાના કિસ્સા પણ બન્યા હતા. કુનો નેશનલ પાર્કમાં રહેતા ચિત્તાઓની સુરક્ષા માટે વહીવટી તંત્ર સતર્ક થયું હતું. ઉપરાંત વન વિભાગના અધિકારીઓ પણ સતત વ્યૂહરચના બનાવી રહ્યા છે. તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, કુનોને અડીને આવેલા મધ્યપ્રદેશની સાથે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના ગામડાઓમાં જાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવશે. આ સાથે ચિત્તાના પરિવારને વધારવાને લઇને અધિકારીઓમાં ભારે ચર્ચા થઈ હતી.